Generations of families approaching Mary, Joseph, and the newborn Jesus near Bethlehem

માથ્થી 1

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
માથ્થી અબ્રાહામ અને દાઉદ દ્વારા યૂસફ સુધી ઈસુના વંશને શોધે છે, પછી પવિત્ર આત્મા દ્વારા મરિયમની ગર્ભાવસ્થાનું વર્ણન કરે છે. દેવદૂત યૂસફને તેની સાથે લગ્ન કરવા અને તેના પુત્રનું નામ ઈસુ રાખવા સૂચના આપે છે.
વંશાવળીઈસુનો જન્મયૂસફપરિપૂર્ણતા
1ઈસુ ખ્રિસ્ત જે ઇબ્રાહિમનાં દીકરા, જે દાઉદના દીકરા, તેમની વંશાવળી.
2ઇબ્રાહિમ ઇસહાકનો પિતા, ઇસહાક યાકૂબનો પિતા, યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા,
3યહૂદા તથા તામારથી થયેલા પેરેસ અને ઝેરાહ, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા.
4આરામ આમ્મીનાદાબનો પિતા, આમ્મીનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા,
5સલ્મોન બોઆઝનો પિતા અને રાહાબ તેની માતા, બોઆઝ ઓબેદનો પિતા અને રૂથ તેની માતા, ઓબેદ યિશાઈનો પિતા અને
6યિશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો જેની મા પહેલા ઉરિયાની પત્ની હતી.
7સુલેમાન રહાબામનો પિતા, રહાબામ અબિયાનો પિતા, અબિયા આસાનો પિતા,
8આસા યહોશાફાટનો પિતા, યહોશાફાટ યોરામનો પિતા, યોરામ ઉઝિયાનો પિતા હતો.
9ઉઝિયા યોથામનો પિતા, યોથામ આહાઝનો પિતા, આહાઝ હિઝકિયાનો પિતા,
10હિઝકિયા મનાશ્શાનો પિતા, મનાશ્શા આમોનનો પિતા, આમોન યોશિયાનો પિતા, અને
11બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા હતો.
12અને બાબિલના બંદીવાસ પછી, યખોન્યા શાલ્તીએલનો પિતા, શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા,
13ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા, અબીઉદ એલિયાકીમનો પિતા, એલિયાકીમ આઝોરનો પિતા,
14આઝોર સાદોકનો પિતા, સાદોક આખીમનો પિતા, આખીમ અલિયુદનો પિતા.
15અલિયુદ એલાઝારનો પિતા, એલાઝાર મથ્થાનનો પિતા, મથ્થાન યાકૂબનો પિતા, અને
16યાકૂબ યૂસફનો પિતા, યૂસફ જે મરિયમનો પતિ હતો; અને મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જનમ્યાં.
17ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળીને ચૌદ પેઢી થઈ, દાઉદથી બાબિલના બંદીવાસ સુધી ચૌદ પેઢી, અને બાબિલના બંદીવાસથી ખ્રિસ્તનાં સમય સુધી ચૌદ પેઢી થઈ.
18ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો શારીરિક સંબંધ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ.
19તેનો પતિ યૂસફ એક પ્રામાણિક માણસ હતો, પણ તે જાહેરમાં તેનું અપમાન કરવા ન ચાહતો હતો. તેથી તેણે ગુપ્ત રીતે તેની સાથે સગાઈ તોડી નાખવાનો નિર્ણય કર્યો.
20જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુનો દૂત તેને સ્વપ્નમાં દેખાયો અને કહ્યું કે, “યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે.
21તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે, કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે.”
22હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે,
23“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ‘ઈશ્વર આપણી સાથે.”
24ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના સ્વર્ગદૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું; તે પોતાની પત્નીને તેડી લાવ્યો.
25મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે શારીરિક સંબંધ કર્યો નહિ; અને તેણે તેમનું નામ ઈસુ પાડ્યું.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.