Zephaniah warns a gathered crowd from a Jerusalem terrace as oil lamps search dark markets and abandoned rooftop idols stand beneath an approaching storm

સફાન્યા 1

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
સફાન્યા વ્યાપક ન્યાયચુકાદોની જાહેરાત કરે છે અને યહૂદાની મૂર્તિપૂજા, વહેંચાયેલી નિષ્ઠા, હિંસા, બેપરવાઈ, અને અપ્રામાણિક વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રભુનો દિવસ નજીક છે, વેદના લાવતાં જે સંપત્તિ રોકી શકતી નથી. યરૂશાલેમને દીવાઓ સાથે શોધાશે, અને દરેક ખોટી સલામતી નિષ્ફળ જશે.
પ્રભુનો દિવસમૂર્તિપૂજાબેપરવાઈન્યાયચુકાદો
1યહૂદિયાના રાજાની, એટલે આમોનના દીકરા યોશિયાની કારકિર્દીમાં, હિઝકિયાના દીકરા અમાર્યાના દીકરા ગદાલ્યાના દીકરા કૂશીના દીકરા સફાન્યા પાસે આ પ્રમાણે યહોવાહનું વચન આવ્યું.
2યહોવાહ કહે છે કે, “હું આ પૃથ્વીની સપાટી પરથી સર્વ વસ્તુનો સંપૂર્ણ નાશ કરીશ .
3હું માણસ તથા પશુઓનો નાશ કરીશ. હું આકાશના પક્ષીઓને તથા સમુદ્રની માછલીઓને પણ નષ્ટ કરીશ, અને દુષ્ટોની સાથે ઠોકર ખવડાવનારી વસ્તુઓનો પણ વિનાશ કરીશ. કેમ કે પૃથ્વીની સપાટી પરથી હું માણસનો નાશ કરીશ,” એવું યહોવાહ કહે છે.
4“હું મારો હાથ યહૂદિયા તથા યરુશાલેમના બધા રહેવાસીઓ પર લંબાવીશ, અને હું આ જગ્યાએથી બઆલના શેષનો તથા વ્યભિચારીઓના નામનો તથા યાજકોનો અંત લાવીશ.
5તેઓ ઘરની અગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરે છે, અને યહોવાહની સેવા કરનારાઓ અને સમ ખાનારાઓ છતાં માલ્કામને નામે પણ સમ ખાય છે.
6જે લોકો યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છે, જેઓ મને શોધતા કે મારી સલાહ લેતા નથી તેઓનો હું નાશ કરીશ.”
7પ્રભુ યહોવાહની સંમુખ શાંત રહો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે; યહોવાહે યજ્ઞ તૈયાર કર્યો છે તથા પોતાના અતિથિઓને પવિત્ર કર્યાં છે.
8“યહોવાહના યજ્ઞના દિવસે એવું થશે કે, હું અમલદારોને, રાજકુમારોને, તેમ જ જેઓએ પરદેશી વસ્ત્રો પહરેલાં હશે તે દરેકને શિક્ષા કરીશ.
9જેઓ ઉંબરો કૂદી જઈને, પોતાના માલિકનું ઘર હિંસાથી અને કપટથી ભરે છે તે સર્વને હું તે દિવસે શિક્ષા કરીશ.”
10યહોવાહ કહે છે કે, “તે દિવસે મચ્છી દરવાજેથી આપત્તિના પોકાર થશે, બીજા મહોલ્લામાં રુદન થશે, અને ડુંગરોમાંથી મોટા કડાકા સંભળાશે.
11માખ્તેશના રહેવાસીઓ વિલાપ કરો, કેમ કે બધા વેપારીઓ નાશ પામ્યા છે; ચાંદીથી લદાયેલા સર્વનો નાશ થશે.
12તે સમયે એવું થશે કે, જેઓ પોતાના દ્રાક્ષારસમાં સ્થિર થયા હશે અને પોતાના મનમાં કહેશે કે, ‘યહોવાહ અમારું કશું ખરાબ કે ભલું નહિ કરે’ એવું માનનારા માણસોને, તે વખતે હું દીવો લઈને યરુશાલેમમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ.
13તેમનું ધન લૂંટાઈ જશે, અને તેમનાં ઘરોનો નાશ થશે! તેઓ ઘરો બાંધશે પણ તેમાં રહેવા પામશે નહિ, દ્રાક્ષવાડીઓ રોપશે પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ!
14યહોવાહનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે અને બહુ ઝડપથી આવે છે. યહોવાહના દિવસનો સાદ સંભળાય છે, તે વખતે યોદ્ધાઓ પોક મૂકીને રડે છે.
15તે દિવસ કોપનો દિવસ, દુ:ખ તથા સંકટનો દિવસ, વિનાશનો તથા આફતનો દિવસ, અંધકાર તથા ધૂંધળાપણાનો દિવસ, વાદળો તથા અંધકારનો દિવસ છે.
16કોટવાળાં નગરો વિરુદ્ધ તથા ઊંચા બુરજો વિરુદ્ધ રણશિંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ છે.
17કેમ કે હું માણસો ઉપર એવી આપત્તિ લાવીશ કે, તેઓ દ્રષ્ટિહીન માણસની જેમ ચાલશે, કેમ કે તેઓએ યહોવાહની વિરુદ્ધ પાપ કર્યુ છે. તેઓનું લોહી ધૂળની માફક વહેશે અને તેઓનાં શરીર છાણની જેમ ફેંકી દેવામાં આવશે.
18યહોવાહના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને ઉગારી શકશે નહિ, આખી પૃથ્વી યહોવાહના પ્રચંડ રોષના અગ્નિથી ભસ્મીભૂત થઈ જશે. પૃથ્વી પરના સર્વ રહેવાસીઓનો અંતે, ઝડપી વિનાશ થશે.”

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.