
ગીતોનું ગીત 7
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
પ્રિયતમ કારીગરી, ખેતરો, ટાવરો, ખજૂરીના ઝાડ, ફળ, અને દ્રાક્ષારસની છબીઓ સાથે સ્ત્રીની સુંદરતાની ઉજવણી કરે છે. તે વિશ્વાસપૂર્વક પુષ્ટિ કરે છે કે તે તેની છે અને તેની ઇચ્છા મેળવે છે. સાથે તેઓ ગ્રામ્ય પ્રદેશ, ગામડાં, દ્રાક્ષવાડીઓ, અને ફૂલોને પ્રેમ વહેંચવાના સ્થળ તરીકે પસંદ કરે છે.
પરસ્પર ઇચ્છાસુંદરતાસંબંધફળદાયિતાસાંઝેદારી પ્રવાસ
1હે શાહજાદી, ચંપલોમાં તારા પગ કેવા સુંદર દેખાય છે! તારી જાંઘોના સાંધા, કુશળ કારીગરે હાથે જડેલા ઝવેરાત જેવા છે.
2તારી નાભિ સુંદર ગોળાકાર પ્યાલા જેવી છે; કે જેમાં મિશ્રિત દ્રાક્ષારસ કદી ખૂટતો નથી. તારું પેટ ગુલછડીથી શણગારેલી, ઘઉંની ઢગલીના જેવું છે.
3તારાં બે સ્તન જાણે હરણીના, મનોહર જોડકાં બચ્ચાં જેવા છે.
4તારી ગરદન હાથીદાંતના બુરજ જેવી છે; તારી આંખો હેશ્બોનમાં બાથ-રાબ્બીમના દરવાજા પાસે આવેલા કુંડ જેવી છે. તારું નાક જાણે દમસ્કસ તરફના લબાનોનના બુરજ જેવું છે.
5તારું શિર કાર્મેલ પર્વત જેવું છે; તારા શિરના કેશ જાંબુડા રંગના છે. રાજા તારી લટોમાં પોતે બંદીવાન બની ગયો છે.
6મારી પ્રિયતમા તું કેવી પ્રેમાળ અને અતિ સુંદર છે, તથા વિનોદ કરવા લાયક અને આનંદદાયક છે!
7તારું કદ ખજૂરીના વૃક્ષ જેવું છે, અને તારાં સ્તનો દ્રાક્ષાની લૂમો જેવા છે.
8મેં વિચાર્યું કે, “હું ખજૂરીના વૃક્ષ પર ચઢીશ; હું તેની ડાળીઓ પકડીશ.” તારાં સ્તન દ્રાક્ષની લૂમો જેવાં થાય, તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય.
9તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય, જે દ્રાક્ષારસ મારા પ્રીતમ માટે છે, અને તેના હોઠો તથા દાંત ઉપર થઈને સરળતાથી પેટમાં ઊતરી જાય છે.
10હું મારા પ્રીતમની છું અને તે મારા માટે ઇચ્છા રાખે છે.
11હે મારા પ્રીતમ, ચાલ, આપણે નગરમાં જઈએ; અને આપણે ગામોમાં ઉતારો કરીએ.
12આપણે વહેલા ઊઠીને દ્રાક્ષવાડીઓમાં જઈએ; દ્રાક્ષવેલાને મોર આવ્યો છે કે નહિ તે જોઈએ, તેનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ, અને દાડમડીઓને ફૂલ બેઠાં છે કે નહિ, તે આપણે જોઈએ. ત્યાં હું તને મારી પ્રીતિનો અનુભવ કરાવીશ.
13ત્યાં રીંગણાંઓ તેની સુગંધ પ્રસરાવે છે; વળી આપણા આંગણામાં સર્વ પ્રકારનાં જૂનાં અને નવાં ફળો છે, તે હે મારા પ્રીતમ, મેં તારા માટે સાચવી રાખ્યાં છે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.