
ગીતોનું ગીત 5
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
પ્રિયતમ રાત્રે બારણું ખખડાવે છે, પરંતુ ખચકાટ સ્ત્રીને વિલંબ કરાવે છે જ્યાં સુધી તે જતો ન રહે. તે અસફળ રીતે શોધે છે અને શહેરના ચોકીદારો તરફથી દુર્વ્યવહાર સહે છે. યરૂશાલેમની દીકરીઓ દ્વારા પૂછાયેલી, તે નુકસાનનો જવાબ પોતાના પ્રિયતમની ઉત્કૃષ્ટતાનું વર્ણન કરી અને તેને પોતાનો મિત્ર કહીને આપે છે.
ખચકાટનુકસાનશોધઝંખનામિત્રતા
1મારી બહેન, મારી નવોઢા હું મારા બાગમાં આવ્યો છું; મેં મારા બોળ તથા સુગંધી દ્રવ્યો એકત્ર કર્યા છે. મેં મારાં મધપૂડામાંથી મધ ખાધું છે; મેં મારો દ્રાક્ષારસ મારા દૂધની સાથે પીધો છે. મિત્ર, ખા. મારા પ્રિય મિત્ર ખા; મફત પી.
2હું સૂતી હોઉં છું પણ મારું હૃદય સ્વપ્નમાં જાગૃત હોય છે. એ મારા પ્રીતમનો સાદ છે તે દ્વાર ઠોકે છે અને કહે છે કે, “મારી બહેન, મારી પ્રિયતમા, મારી હોલી, મારી ગુણિયલ, મારે માટે દ્વાર ઉઘાડ, મારું માથું રાત્રીના ઝાકળથી ભીજાયેલું છે મારા વાળ રાતનાં ટીપાંથી પલળી ગયા છે.”
3“મેં મારું વસ્ત્ર કાઢયું છે; તેથી હું કેવી રીતે ફરી પહેરું? મેં મારા પગ ધોયા છે; હું તેમને શા માટે મેલા કરું?”
4મારા પ્રીતમે બારણાના બાકામાંથી તેનો હાથ અંદર નાખ્યો, અને મારું હૃદય તેના માટે ધડકી ઊઠયું.
5હું મારા પ્રીતમ માટે દ્વાર ઉઘાડવાને ઊઠી; દ્વારની સાંકળ પર, અને મારા હાથમાંથી બોળ અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતા હતાં.
6મેં મારા પ્રીતમને માટે દ્વાર ઉઘાડ્યું, પણ મારો પ્રીતમ ત્યાંથી ખસી ગયો હતો; મારું હૃદય શોકમાં ડૂબી ગયું, હું ઉદાસ થઈ ગઈ. મેં તેને શોધ્યો, પણ મને જડ્યો નહિ; મેં તેને બોલાવ્યો, પણ તેણે મને ઉત્તર આપ્યો નહિ.
7નગરની ચોકી કરતા ચોકીદારોએ મને જોઈ; તેમણે મને મારી અને ઘાયલ કરી; કોટરક્ષકોએ મારો બુરખો મારા અંગ પરથી લઈ લીધો.
8હે યરુશાલેમની દીકરીઓ, હું તમને આજીજી કરું છું કે, જો તમને મારો પ્રીતમ મળે, તો તેને કહેજો કે હું પ્રેમપીડિત છું.
9તારો પ્રીતમ બીજી કોઈ યુવતીના પ્રીતમ કરતાં શું વિશેષ છે? ઓ યુવતીઓમાં શ્રેષ્ઠ સુંદરી, તારો પ્રીતમ બીજી કોઈ યુવતીના પ્રીતમ કરતાં શું વિશેષ છે. કે તું અમને આ મુજબ કરવા સોગન દે છે?
10મારો પ્રીતમ તેજસ્વી અને લાલચોળ છે, દશ હજાર પુરુષોમાં તે શ્રેષ્ઠ છે.
11તેનું માથું ઉત્તમ પ્રકારના સોના જેવું છે; તેના વાળ ગુચ્છાદાર છે અને તે કાગડાના રંગ જેવી શ્યામ છે.
12તેની આંખો નદી પાસે ઊભેલા શુદ્ધ શ્વેત હોલા જેવી છે, તે દૂધમાં ધોયેલી તથા યોગ્ય રીતે બેસાડેલી છે.
13તેના ગાલ સુગંધી દ્રવ્યના પલંગ જેવા, તથા મધુર સુગંધવાળાં ફૂલો જેવા છે. જેમાંથી બોળનો અર્ક ટપકતો હોય તેવા ગુલછડીઓ જેવા તેના હોઠ છે.
14તેના હાથ પીરોજથી જડેલી સોનાની વીંટીઓ જેવા છે; નીલમથી જડેલા હાથીદાંતના કામ જેવું તેનું અંગ છે.
15તેના પગ ચોખ્ખા સોનાની કૂંભીઓ પર ઊભા કરેલા સંગેમરમરના સ્તંભો જેવા છે; તેનો દેખાવ ભવ્ય લબાનોન અને દેવદાર વૃક્ષો જેવો ઉત્તમ છે.
16તેનું મુખ અતિ મધુર છે; તે અતિ મનોહર છે. હે યરુશાલેમની દીકરીઓ, આ મારો પ્રીતમ અને આ મારો મિત્ર.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.