Seven trumpet-bearing angels around a golden altar as fire, a burning mountain, a star, and darkness touch creation

પ્રકટીકરણ 8

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
સાતમી મુદ્રા સ્વર્ગીય મૌનમાં ખુલે છે. વેદીની અગ્નિ પૃથ્વી પર પહોંચે તે પહેલાં ધૂપ સંતોની પ્રાર્થના સાથે ઊંચે જાય છે, અને પ્રથમ ચાર રણશિંગડાં જમીન, સમુદ્ર, તાજા પાણી, અને સ્વર્ગીય જ્યોતિઓ પર વિનાશક છતાં મર્યાદિત ન્યાયચુકાદો સાથે પ્રહાર કરે છે.
સાતમી મુદ્રાપ્રાર્થનારણશિંગડાંન્યાયચુકાદો
1જયારે હલવાને સાતમી મહોર તોડી, ત્યારે આશરે એક ઘડી સુધી સ્વર્ગમાં મૌન રહ્યું.
2ઈશ્વરની આગળ જે સાત સ્વર્ગદૂતો ઊભા રહે છે તેઓને મેં જોયા, અને તેઓને સાત રણશિંગડાં અપાયાં.
3ત્યાર પછી બીજો સ્વર્ગદૂતે આવીને યજ્ઞવેદી પાસે ઊભો રહ્યો, તેની પાસે સોનાની ધૂપદાની હતી, અને તેને પુષ્કળ ધૂપ આપવામાં આવ્યું જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે, રાજ્યાસનની સામે જે સોનાની યજ્ઞવેદી છે, તેના પર તે અર્પણ કરે.
4ધૂપનો ધુમાડો સંતોની પ્રાર્થનાઓ સાથે તે સ્વર્ગદૂતના હાથથી ઈશ્વરની સમક્ષ પહોંચ્ચો.
5સ્વર્ગદૂતે ધૂપદાની લઈને તથા તેમાં યજ્ઞવેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો; પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપો શરૂ થયાં.
6જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત રણશિંગડાં હતાં તેઓ વગાડવા સારુ તૈયાર થયા.
7પહેલા સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું, એટલે લોહીમાં મિશ્રિત કરા તથા આગ થયાં. તે પૃથ્વી પર ફેંકાયાં અને પૃથ્વીનું ત્રીજો ભાગ બળી ગયો, તેથી વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો, અને બધું લીલું ઘાસ સળગી ગયું.
8પછી બીજા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કશુંક સમુદ્રમાં નંખાયું, અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થયો,
9તેને લીધે સમુદ્રમાંનાં જે પ્રાણીઓ જીવતાં હતાં, તેઓમાંનાં ત્રીજા ભાગનાં મૃત્યુ પામ્યા. અને વહાણોનો ત્રીજો ભાગ નાશ પામ્યો.
10ત્રીજા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, અને દીવાના જેવો સળગતો એક મોટો તારો આકાશમાંથી નદીઓનાં ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડ્યો.
11તે તારાનું નામ નાગદમન હતું. તેથી પાણીનો ત્રીજો ભાગ કડવો થયો અને એ પાણીથી ઘણાં માણસો મરી ગયા, કારણ કે પાણી કડવાં થયાં હતાં.
12પછી ચોથા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે સૂર્યના ત્રીજા ભાગ, ચંદ્રના ત્રીજા ભાગ અને તારાઓનાં ત્રીજા ભાગ પર પ્રહાર થયો, જેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરૂપ થયો. દિવસનો ત્રીજો ભાગ તથા રાતનો ત્રીજો ભાગ પ્રકાશરહિત થયો.
13જયારે મેં જોયું, તો ગગનમાં ઊડતા એક ગરુડને મોટા અવાજથી એમ કહેતો સાંભળ્યો કે, બાકી રહેલા બીજા ત્રણ સ્વર્ગદૂતો જે પોતાના રણશિંગડા વગાડવાના છે, તેઓના અવાજને લીધે પૃથ્વી પરના લોકોને અફસોસ! અફસોસ! અફસોસ!

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.