A besieged man prays above enemies and broken nets as friends welcome him into safety

ગીતશાસ્ત્ર 31

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ગીતશાસ્ત્ર 31 ફસાવ, જાહેર શરમ, શારીરિક પીડા, અને દુશ્મન કાવતરાં દ્વારા વિશ્વાસુ સમર્પણ તરફ ફરે છે. ગીતકાર પોતાનું જીવન પરમેશ્વરના હાથમાં મૂકે છે, પુષ્કળ આશ્રય શોધે છે, અને અન્ય વિશ્વાસુ લોકોને હિંમતવાન આશા માટે બોલાવે છે.
આશ્રયસમર્પણવિલાપહિંમત
1હે યહોવાહ, હું તમારા ઉપર આધાર રાખું છું; મારી જરા પણ બદનામી થવા દેતા નહિ. તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો.
2મારું સાંભળો; ઉતાવળથી મને છોડાવો; તમે મારે માટે મજબૂત ગઢ તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ.
3કેમ કે તમે મારા ખડક અને કિલ્લો છો; માટે તમારા નામની ખાતર મને દોરવણી આપો અને મને ચલાવો.
4મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો, કારણ કે તમે મારો આશ્રય છો.
5હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; હે યહોવાહ, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે.
6જુઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, પણ હું યહોવાહ પર ભરોસો રાખું છું.
7હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ, કેમ કે તમે મારું દુ:ખ જોયું છે; તમે મારા આત્માની વિપત્તિઓ જાણી છે.
8તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી. તમે મારા પગ વિશાળ જગ્યા પર સ્થિર કર્યા છે.
9હે યહોવાહ, મારા પર દયા કરો, કેમ કે હું સંકટમાં છું; ખેદથી મારી આંખ, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે.
10કેમ કે સંતાપથી મારી જિંદગી અને નિસાસાથી મારાં વર્ષો વહી જાય છે. મારા ત્રાસના કારણે મારું બળ ઘટે છે અને મારાં હાડકાં ક્ષીણ થાય છે.
11મારા સર્વ દુશ્મનોને લીધે લોકો મને મહેણાં મારે છે; મારા પડોશીઓ તો મારી અતિશય નિંદા કરે છે અને મારા ઓળખીતાઓને મારો ભય લાગે છે. જે કોઈ મને મહોલ્લાઓમાં જુએ છે, તે જોતાંની સાથે જ મારી પાસેથી નાસી જાય છે.
12મૃત્યુ પામેલા મનુષ્યની જેમ હું વિસરાઈ ગયો છું, જેના વિષે કોઈ વિચારતું પણ નથી. હું તૂટી ગયેલા વાસણ જેવો છું.
13કેમ કે મેં ઘણાંને તેઓને મુખે મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે, ચારે બાજુ ધાસ્તી છે તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ કાવતરાં ઘડે છે. તેઓ મારો જીવ લેવાની યોજનાઓ ઘડે છે.
14પણ, હે યહોવાહ, હું તમારા પર ભરોસો રાખું છું; મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.”
15મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા જેઓ મારો પીછો કરી રહ્યા છે તેઓનાથી મને બચાવો.
16તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ પાડો; તમારી કૃપાથી મને બચાવો.
17હે યહોવાહ, મારી બદનામી થવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતિ કરી છે! દુષ્ટો લજ્જિત થાઓ! તેઓ ચૂપચાપ શેઓલમાં પડી રહો.
18જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી તથા તિરસ્કારથી અભિમાની વાત બોલે છે તે મૂંગા થાઓ.
19જે ઉદારતા તમારા ભક્તોને માટે તમે રાખી મૂકી છે, તથા તમારા પર ભરોસો રાખનારને માટે મનુષ્યોની આગળ તમે દર્શાવી છે, તે કેટલી મોટી છે!
20તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો અને તેઓનાં કાવતરાં વિરુદ્ધ રક્ષણ કરશો. તમે તમારા નિવાસસ્થાનમાં તેઓને સુરક્ષિત રાખશો અને તેઓને અનિષ્ટ જીભોથી બચાવશો.
21યહોવાહની સ્તુતિ થાઓ, કેમ કે તેમણે મારા પર અસીમ વિશ્વાસુપણું દર્શાવ્યુ છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે તેમણે મારા પર અદ્દભુત દયા કરી.
22અધીરતાથી મેં કહી દીધું હતું કે, “તમે તમારી દ્રષ્ટિ આગળથી મને દૂર કર્યો છે,” તોપણ મેં જ્યારે તમને મદદને માટે વિનંતી કરી, ત્યારે તમે મારું સાંભળ્યું.
23હે યહોવાહના સર્વ ભક્તો, તમે તેમના પર પ્રેમ રાખો. યહોવાહ વિશ્વાસીઓની રક્ષા કરે છે, પણ અભિમાનીને પુષ્કળ બદલો આપે છે.
24જે સર્વ યહોવાહ પર મદદને માટે ભરોસો રાખે છે, તે બળવાન તથા હિંમતવાન થાઓ.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.