Widows, children, elders, and laborers pray over desolate Zion beside a fallen crown and silent lyre

યર્મિયાનો વિલાપ 5

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
સમુદાય પરમેશ્વરને પોતાની અપમાનજનક સ્થિતિ યાદ કરવા કહે છે: વારસો અને ઘરો ખોવાયા છે, કુટુંબો સંવેદનશીલ છે, મજૂરી જુલમી છે, અને સંગીત બંધ થયું છે. સ્થાયી દૈવી શાસન નીચે પાપ કબૂલ કરતાં, લોકો પુનઃસ્થાપિત થવા અને પોતાના દિવસો નવીકૃત થવા વિનંતી કરે છે.
સામુદાયિક પ્રાર્થનાનુકસાનકબૂલાતપુનઃસ્થાપનાનવીકરણ
1હે યહોવાહ, અમારા પર જે આવી પડ્યું તેનું તમે સ્મરણ કરો. ધ્યાન આપીને અમારું અપમાન જુઓ.
2અમારું વારસા પારકાઓના હાથમાં, અમારાં ઘરો પરદેશીઓના હાથમાં ગયાં છે.
3અમે અનાથ અને પિતાવિહોણા થયા છીએ અને અમારી માતાઓ વિધવા થઈ છે.
4અમે અમારું પાણી પૈસા આપીને પીધું છે, અમે અમારાં પોતાનાં લાકડાં પણ વેચાતાં લીધાં છે.
5જેઓ અમારી પાછળ પડ્યા છે તેઓ અમને પકડી પાડવાની તૈયારીમાં છે. અમે થાકી ગયા છીએ અને અમને વિશ્રામ મળતો નથી.
6અમે રોટલીથી તૃપ્ત થવા માટે મિસરીઓને તથા આશ્શૂરીઓને તાબે થયા છીએ.
7અમારા પિતૃઓએ પાપ કર્યું અને તેઓ રહ્યા નથી. અમારે તેઓના પાપની સજા ભોગવવી પડે છે.
8ગુલામો અમારા પર રાજ કરે છે, તેઓના હાથમાંથી અમને મુક્ત કરનાર કોઈ નથી.
9અરણ્યમાં ભટકતા લોકોની તલવારને લીધે અમારો જીવ જોખમમાં નાખીને અમે અમારું અન્ન ભેગું કરીએ છીએ.
10દુકાળના તાપથી અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.
11તેઓએ સિયોનમાં સ્ત્રીઓ પર અને યહૂદિયાનાં નગરોમાં કન્યાઓ પર બળાત્કાર કર્યો છે.
12તેઓએ રાજકુમારોને હાથ વડે લટકાવી દીધા અને તેઓએ વડીલોનું કોઈ માન રાખ્યું નહિ.
13જુવાનો પાસે દળવાની ચક્કી પિસાવવામાં આવે છે. છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.
14વયસ્કો હવે ભાગળમાં બેસતા નથી જુવાનોએ ગીતો ગાવાનું છોડી દીધું છે.
15અમારા હૃદયનો આનંદ હવે રહ્યો નથી. નાચને બદલે રડાપીટ થાય છે.
16અમારા માથા પરથી મુગટ પડી ગયો છે! અમને અફસોસ! કેમ કે અમે પાપ કર્યું છે.
17આને કારણે અમારાં હૃદય બીમાર થઈ ગયાં છે અને અમારી આંખોએ અંધારાં આવી ગયાં છે.
18કારણ કે સિયોનનો પર્વત ઉજ્જડ થઈ ગયો છે તેના પર શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે.
19પણ, હે યહોવાહ, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. તમારું રાજ્યાસન પેઢી દરપેઢીનું છે.
20તમે શા માટે અમને હંમેશને માટે ભૂલી જાઓ છો? અમને આટલા બધા દિવસ સુધી શા માટે તજી દીધા છે?
21હે યહોવાહ, અમને તમારી તરફ ફેરવો, એટલે અમે ફરીશું. પ્રાચીન કાળમાં હતા તેવા દિવસો અમને પાછા આપો.
22પણ તમે અમને સંપૂર્ણ રીતે તજી દીધાં છે; તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો!

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.