Samson standing near smoking fields and a spring with a lowered jawbone

ન્યાયાધીશો 15

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
શિમશોનનું તૂટેલું લગ્ન પલિસ્તી પાકના બદલા વિનાશ અને બંને બાજુથી વધુ બદલો લાવે છે. યહૂદા તેને બાંધીને સોંપે છે, પરંતુ તે ભાગી જાય છે અને પોતાના હુમલાખોરોને હરાવે છે. પછી થાકેલો, તે પોકારે છે અને પાણી મેળવે છે.
બદલોશક્તિછુટકારોનિર્ભરતા
1કેટલાક દિવસો પછી, ઘઉંની કાપણીના સમયમાં, સામસૂન એક લવારું લઈને પોતાની પત્નીની મુલાકાતે ગયો. તેણે પોતાને કહ્યું, “હું મારી પત્નીની ઓરડીમાં જઈશ.” પણ તેના પિતાએ તેને અંદર જવાની પરવાનગી આપી નહિ.
2તેના પિતાએ કહ્યું, “મને નિશ્ચે લાગ્યું કે તું તેને ધિક્કારે છે, તેથી મેં તેને તારા મિત્રને આપી દીધી. તેની નાની બહેન શું તેના કરતા વધારે સુંદર નથી? તેના બદલે તેને લે.”
3સામસૂને તેઓને કહ્યું, “આ સમયે હું પલિસ્તીઓને કંઈ ઉપદ્રવ કરું તો તે વિષે હું નિર્દોષ ઠરીશ.”
4સામસૂન ચાલ્યો ગયો તેણે ત્રણસો શિયાળ પકડયાં અને મશાલો લઈને બબ્બે શીયાળોની પૂંછડીઓ ભેગી કરીને બબ્બે પૂંછડીઓ વચ્ચે એક એક મશાલ બાંધી.
5પછી તેણે મશાલો સળગાવી, અને તેણે શિયાળોને પલિસ્તીઓના ઊભા પાકમાં છોડી મૂકી. અને તેઓએ પૂળા અને ઊભા પાકને જૈતૂનવાડીઓ સહિત બાળી મૂક્યાં.
6પલિસ્તીઓએ પૂછ્યું, “આ કોણે કર્યું છે?” તેઓને કહેવામાં આવ્યું, “તિમ્નીના જમાઈ સામસૂને આ કર્યું છે, કેમ કે તિમ્નીએ સામસૂનની પત્નીને લઈને તેને તેના મિત્રને આપી દીધી.” ત્યારે પલિસ્તીઓ આવ્યા અને તેને તથા તેના પિતાને બાળી મૂક્યા.
7સામસૂને તેઓને કહ્યું, “જો તમે આમ કરો છો, તો હું નિશ્ચે તમારા પર વેર વાળીશ તે પછી જ હું જંપીશ.”
8પછી તેણે તેઓને મારીને તેઓનો પૂરો સંહાર કર્યો. પછી તે જઈને એટામ ખડકની ગુફામાં રહ્યો.
9ત્યારે પલિસ્તીઓ ચઢી આવ્યા અને તેઓએ યહૂદામાં યુદ્ધ માટે તૈયારી કરી અને તેઓનું સૈન્ય લેહીમાં ફેલાઈ ગયું.
10યહૂદાના માણસોએ કહ્યું, “શા માટે તમે અમારા પર હુમલો કરવા આવ્યા છો?” તેઓએ કહ્યું, “અમે સામસૂનને પકડવા માટે હુમલો કર્યો છે, જેથી તેણે અમારી સાથે જે કર્યું છે તેવું અમે તેને કરીએ.”
11ત્યારે યહૂદિયાના ત્રણ હજાર માણસોએ એટામ ખડકની ગુફામાં જઈને સામસૂનને કહ્યું, “શું તું જાણતો નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? આ તેં શું કર્યું?” સામસૂને તેઓને કહ્યું, “તેઓએ જેવું મને કર્યું છે, તેવું મેં તેઓને કર્યું છે.”
12તેઓએ સામસૂનને કહ્યું, “અમે તને બાંધીને લઈ જઈ પલિસ્તીઓના હાથમાં સોંપવાને આવ્યા છીએ.” સામસૂને તેઓને કહ્યું, મારી આગળ તમે સમ ખાઓ, “તમે પોતે મને મારી નહિ નાખો.”
13તેઓએ તેને કહ્યું, “ના, અમે માત્ર તને દોરડાથી બાંધીને તેઓના હાથમાં સોંપીશું. અમે વચન આપીએ છીએ કે અમે તને મારી નહિ જ નાખીએ.” ત્યારે તેઓએ તેને નવાં બે દોરડાથી બાંધીને તે ખડક પરથી લઈ ગયા.
14જયારે તે લેહીમાં પહોંચ્યો, ત્યારે પલિસ્તીઓએ તેને જોઈને જયઘોષ કર્યો. અને ઈશ્વરનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો અને તેને હાથે જે દોરડાં બાંધેલા હતાં તે અગ્નિથી બળેલા શણના જેવા થઈને હાથ પરથી સરી પડ્યા.
15સામસૂનને ગધેડાનું તાજું જડબું મળ્યું એ જડબાના પ્રહારથી તેણે એક હજાર માણસોને મારી નાખ્યા.
16સામસૂને કહ્યું, “ગધેડાના જડબાથી મેં ઢગલે ઢગલા, ગધેડાના જડબાથી મેં હજાર માણસોને માર્યા છે.”
17એ પ્રમાણે કહ્યા પછી સામસૂને, તે જડબું ફેંકી દીધું અને તે જગ્યાનું નામ રામાથ-લેહી પાડ્યું.
18સામસૂનને ખૂબ તરસ લાગી અને તેણે ઈશ્વરને પોકારીને કહ્યું, “તમે આ મોટો વિજય પોતાના દાસની હસ્તક કર્યો છે, પણ હવે હું તરસથી મરી રહ્યો છું. શું હું આ બેસુન્નતી લોકોના હાથમાં પડીશ?”
19ત્યારે ઈશ્વરે લેહીમાં જે ખાડો હતો તેમાં ફાટ પાડી. તેમાંથી પાણી નીકળ્યું. પાણી પીધા પછી તે પાછો શુદ્ધિમાં આવ્યો તેણે તાજગી પ્રાપ્ત કરી. એ માટે તેણે તે જગ્યાનું નામ એન-હક્કોર પાડ્યું અને તે આજ સુધી લેહીમાં છે.
20સામસૂને પલિસ્તીઓના સમયમાં વીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.