Jesus teaching his disciples beneath a flourishing grapevine heavy with fruit

યોહાન 15

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ઈસુ પોતાને સાચી દ્રાક્ષવેલ તરીકે ચિત્રિત કરે છે અને શિષ્યોને પોતાના પ્રેમમાં રહેવા બોલાવે છે જેથી તેઓ સ્થાયી ફળ આપે. તે તેમને મિત્રો કહે છે, પરસ્પર પ્રેમનો હુકમ કરે છે, જગતના દ્વેષ વિશે ચેતવણી આપે છે, અને સતત સાક્ષીનું વચન આપે છે.
સાચી દ્રાક્ષવેલરહેવુંપ્રેમ અને મિત્રતાસાક્ષી
1ખરો દ્રાક્ષાવેલો હું છું અને મારા પિતા માળી છે.
2મારામાંની દરેક ડાળી જેને ફળ આવતાં નથી તેને તે કાપી નાખે છે; અને જે ડાળીઓને ફળ આવે છે, તે દરેકને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.
3જે વચનો મેં તમને કહ્યાં છે તેના દ્વારા હવે તમે શુદ્ધ થઈ ગયા છો.
4તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ; જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી.
5હું તો દ્રાક્ષાવેલો છું; અને તમે ડાળીઓ છો; જે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.
6જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે; નાખી દેવાયેલી ડાળીઓ સુકાઈ જાય છે; પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે અને તેઓને બાળવામાં આવે છે.
7જો તમે મારામાં રહો; અને મારાં વચનો તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માગો, એટલે તે તમને મળશે.
8તમે બહુ ફળ આપો, એમાં મારા પિતા મહિમાવાન થાય છે; અને એથી તમે મારા શિષ્ય થશો.
9જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે; તમે મારા પ્રેમમાં રહો.
10જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.
11મારો આનંદ તમારામાં રહે; અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને એ વાતો કહી છે.
12મારી આજ્ઞા એ છે કે, ‘જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.’”
13પોતાના મિત્રોને સારું પોતાનો જીવ આપવો, તે કરતાં મહાન અન્ય કોઈ પ્રેમ નથી.
14જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો છો તો તમે મારા મિત્ર છો.
15હવેથી હું તમને દાસ કહેતો નથી; કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી; પણ મેં તમને મિત્ર કહ્યાં છે; કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે.
16તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યાં છે; અને તમને મોકલ્યા છે, કે તમે જઈને ફળ આપો; અને તમારાં ફળ કાયમ રહે. જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે.
17તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું.
18જો જગત તમારો દ્વેષ રાખે છે તો તમારા પહેલાં તેણે મારો દ્વેષ કર્યો છે, એ તમે જાણો છો.
19જો તમે જગતના હોત તો પોતાના હોવાથી જગત તમારા ઉપર પ્રેમ રાખત; પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યાં છે, તેથી જગત તમારા પર દ્વેષ રાખે છે.
20દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓએ મને સતાવ્યો છે, તો તમને પણ સતાવશે. જો તેઓએ મારાં વચનોનું પાલન કર્યું તો તમારા પણ પાળશે.
21પણ એ બધું મારા નામને માટે તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને જાણતા નથી.
22જો હું આવ્યો ન હોત અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપ લાગત નહિ; પણ હવે તેઓના પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી.
23જે મારો દ્વેષ કરે છે, તે મારા પિતાનો પણ દ્વેષ કરે છે.
24જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે કર્યાં ન હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયા છે, અને તોપણ દ્વેષ રાખ્યો છે.
25તેઓના નિયમશાસ્ત્રમાં વચન લખેલું છે કે, ‘તેઓએ વિનાકારણ મારા પર દ્વેષ રાખ્યો છે, તે પૂર્ણ થાય તે માટે એવું થયું.
26પણ સહાયક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી આવે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ; તે જયારે આવશે, ત્યારે મારા સંબંધી સાક્ષી આપશે.
27તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.