
અયૂબ 2
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
સ્વર્ગીય દરબારમાં બીજું દ્રશ્ય અયૂબના શરીરને પીડા આપવાની પરવાનગી આપે છે, અને તે માથાથી પગ સુધી પીડાદાયક ગૂમડાંથી ઢંકાય જાય છે. રાખમાં બેસીને, તે પરમેશ્વરને શાપ આપી મરવાની પોતાની પત્નીની સલાહનો ઇનકાર કરે છે, કહે છે કે જેઓ સારું સ્વીકારે છે તેમણે વિપત્તિ પણ સ્વીકારવી જોઈએ. ત્રણ મિત્રો દૂરથી આવે છે, રડે છે, પોતાના ઝભ્ભા ફાડે છે, અને સાત દિવસ કોઈ શબ્દ વિના તેની સાથે બેસે છે.
પીડાલગ્નમિત્રોમૌન
1એક દિવસે દૂતો ફરી યહોવાહની સમક્ષ હાજર થયા, તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાહની આગળ હાજર થયો.
2યહોવાહે શેતાનને પૂછ્યું, “તું ક્યાં જઈ આવ્યો?” શેતાને યહોવાહને કહ્યું, “હું પૃથ્વી પર આમતેમ સર્વત્ર ફરીને આવ્યો છું.”
3યહોવાહે શેતાનને પૂછ્યું કે, “શું તે મારા સેવક અયૂબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ, પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. જો” કે તેને વિનાકારણ પાયમાલ કરવાને તેં મને ઉશ્કેર્યો હતો. છતાં હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે.”
4શેતાને યહોવાહને જવાબ આપ્યો, “ચામડીને બદલે ચામડી હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.
5પણ તમારો હાથ લંબાવીને તેના હાડકાને તથા તેના શરીરને સ્પર્શ કરો. એટલે તે તમારે મોઢે ચઢીને તમને શાપ દેશે.”
6યહોવાહે શેતાનને કહ્યું કે, “જો, તે તારા હાથમાં છે; ફક્ત તેનો જીવ બચાવજે.”
7પછી યહોવાહ પાસેથી શેતાન ચાલ્યો ગયો, તેણે અયૂબને તેના પગના તળિયાથી તે તેના માથા સુધી ગૂમડાંનું દુ:ખદાયક દર્દ ઉત્પન્ન કર્યું.
8તેથી અયૂબ પોતાનું શરીર ઠીકરીથી ખંજવાળવા સારુ રાખમાં બેઠો.
9ત્યારે તેની પત્નીએ તેને કહ્યું, “શું હજુ પણ તું તારા પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે? ઈશ્વરને શાપ આપ અને મર.”
10પરંતુ અયૂબે તેને ઉત્તર આપ્યો કે, “તું એક મૂર્ખ સ્ત્રીની જેમ બોલે છે શું આપણે ઈશ્વરના હાથથી માત્ર સુખ જ સ્વીકારવાનું અને દુ:ખ નહિ?” આ સર્વમાં અયૂબે પોતાના મોંથી પાપ કર્યું નહિ.
11આ સર્વ વિપત્તિ અયૂબ પર આવી પડી હતી, તે વિષે તેના ત્રણ મિત્રોએ સાંભળ્યું, ત્યારે અલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નાઅમાથી પોતપોતાને ઘેરથી આવ્યા. તેઓ તેના દુઃખમાં ભાગ લેવાને તથા તેને દિલાસો આપવાને મસલત કરીને તેની પાસે આવ્યા હતા.
12જ્યારે તેઓએ તેને દૂરથી જોયો ત્યારે તેઓ તેને ઓળખી ન શક્યા; તેઓ પોક મૂકીને રડ્યા; દરેકે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં. અને આકાશ તરફ નજર કરીને પોતાના માથા પર ધૂળ નાખી.
13તેઓ સાત દિવસ અને સાત રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા. તેઓએ જોયું કે તે ઘણો દુ:ખી છે. તેથી કોઈએ તેને એક શબ્દ પણ કહ્યો નહિ.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.