
અયૂબ 10
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
પોતાના જીવનથી કંટાળીને, અયૂબ મુક્તપણે બોલવાનો નિર્ણય લે છે અને પરમેશ્વરને પોતાની વિરુદ્ધનો આરોપ જણાવવા કહે છે. તે ચામડીથી પહેરાયેલા અને હાડકાં તથા સ્નાયુ સાથે ગૂંથાયેલા હોવાનું યાદ કરે છે, પછી પૂછે છે કે તે જ કાળજીભરી રચના હવે શા માટે શિકાર થવા જેવી લાગે છે, અને ઉદાસીની ભૂમિમાં જાય તે પહેલાં થોડી રાહત માટે વિનંતી કરે છે.
સૃષ્ટિવિલાપકડવાશમરણશીલતા
1મારો આત્મા આ જીવનથી કંટાળી ગયો છે; હું મારી ફરિયાદો વિષે મુક્ત રીતે વિલાપ કરીશ; મારા જીવની વેદનાએ હું બોલીશ.
2હું ઈશ્વરને કહીશ કે, ‘મને દોષિત ન ઠરાવો; તમે મારી સાથે શા માટે તકરાર કરો છો તે મને બતાવો.
3જુલમ કરવો, તથા તમારા હાથોના કામને તુચ્છ ગણવું અને દુષ્ટ લોકોની યોજનાઓથી ખુશ થવું એ શું તમને શોભે છે?
4શું તમને ચર્મચક્ષુ છે, અથવા શું તમે માણસની જેમ જુઓ છો?
5શું તમારા દિવસો અમારા દિવસો જેટલાં છે, તમારું જીવન માણસના જીવન જેટલું છે કે,
6તમે મારા અન્યાયની તપાસ કરો છો, અને મારાં પાપ શોધો છો.
7તમે જાણો છો કે હું દોષિત નથી, અને તમારા હાથમાંથી મને કોઈ બચાવી શકે તેમ નથી.
8તમારા હાથોએ મને ઘડ્યો છે અને ચોતરફથી મારો આકાર બનાવ્યો છે, છતાં તમે મારો વિનાશ કરો છો.
9કૃપા કરી યાદ રાખો કે, તમે માટીના ઘાટ જેવો મને ઘડ્યો છે; શું હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો?
10શું તમે મને દૂધની જેમ રેડ્યો નથી? અને મને પનીરની જેમ જમાવ્યો નથી?
11તમે મને ચામડી અને માંસથી મઢી લીધો છે. તમે મને હાડકાં અને સ્નાયુઓથી સજ્જડ ગૂંથ્યો છે.
12તમે મને જીવન તથા કૃપા આપ્યાં છે. અને તમારી કૃપાદ્રષ્ટિએ મારા આત્માનું રક્ષણ કર્યું છે.
13છતાં આ બાબત તમે તમારા હૃદયમાં ગુપ્ત રાખી છે. હું જાણું છું કે એ તમારો આશય છે.
14જો હું પાપ કરું, તો તમે મને ધ્યાનમાં લો છો; તમે મારા અન્યાય વિષે મને નિર્દોષ ઠરાવશો નહિ.
15જો હું દુષ્ટ હોઉં, તો મને અફસોસ! જો હું નિર્દોષ હોઉં તો પણ હું મારું માથું ઊંચે ઉઠાવીશ નહિ, કેમ કે મને અતિશય શરમ લાગે છે. અને મારી વિપત્તિ મારી નજર આગળ છે.
16જો હું ગર્વ કરું, તો તમે સિંહની જેમ મારી પૂઠે લાગો છો અને ફરીથી તમે મારી સામે તમારી મહાનતા બતાવો છો.
17તમે મારી વિરુદ્ધ નવા સાક્ષીઓ લાવો છો, અને મારા ઉપર તમારો રોષ વધારો છો; તમે મારી સામે દુઃખોની ફોજ પર ફોજ લાવો છો.
18તો પછી તમે મને શા માટે ગર્ભમાંથી બહાર લાવ્યા? ત્યાંજ હું મૃત્યુ પામ્યો હોત અને કોઈએ કદી મને જોયો ન હોત.
19હું હતો ન હતો થઈ ગયો હોત; ગર્ભમાંથી સીધો તેઓ મને કબરમાં ઊંચકી જાત.
20શું મારા દિવસો થોડા જ નથી? તો બસ કરો, અને મને એકલો રહેવા દો, જેથી હું આરામ કરું
21કેમ કે જ્યાંથી કોઈ પાછું આવતું નથી ત્યાં, એટલે અંધકારનાં તથા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે,
22એટલે ઘોર અંધકારનાં દેશમાં, જે સંપૂર્ણ અસ્તવ્યસ્ત છે તથા જેનો પ્રકાશ અંધકારરૂપ છે, તેવા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.