Jeremiah bearing a wooden yoke before gathered envoys as oxen work near distant Babylonian banners

યર્મિયા 27

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
યિર્મિયાહ ઝૂંસરી પહેરે છે અને પડોશી રાજાઓને સંદેશ મોકલે છે કે પરમેશ્વરે તેમની જમીનો સમય માટે નબૂખાદનેસ્સારને આપી છે. યહૂદાએ છળકપટી પ્રબોધકોને રદ કરવા અને બાબેલને આધીન થવું જોઈએ જો રાજા, લોકો, અને બાકીના મંદિરના વાસણો ટકવા હોય.
ઝૂંસરીશરણાગતિબાબેલખોટા પ્રબોધકો
1યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમની કારકિર્દીના આરંભમાં યર્મિયાની પાસે આ વચન યહોવાહની પાસેથી આવ્યું,
2યહોવાહે આ મુજબ મને કહ્યું કે; તું તારે માટે બંધનો તથા ઝૂંસરીઓ બનાવીને તે તારી ગરદન પર મૂક.
3અને યરુશાલેમમાં યહૂદિયાના રાજા સિદકિયાની પાસે જે ખેપિયાઓ આવે છે. તેઓની હસ્તક અદોમના રાજા પાસે, મોઆબના રાજા પાસે, આમ્મોનીઓના રાજા પાસે, તૂર અને સિદોનના રાજાઓ પાસે તે મોકલ.
4તેઓને આજ્ઞા કર કે, તમે જઈને તમારા માલિકોને કહો કે, સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; “આ વચન તમારે તમારા માલિકોને કહેવું.
5‘મેં મારા મહાન સામર્થ્ય અને શક્તિથી પૃથ્વી અને તેના પર વસતાં માણસો અને પશુઓને ઉત્પન્ન કર્યાં છે અને હું ચાહું તેને તે આપી શકું છું.
6તેથી હવે, તમારા સર્વ દેશો મેં બાબિલના રાજા, મારા સેવક, નબૂખાદનેસ્સારને સોંપ્યા છે. વળી, જંગલનાં પશુઓ પણ તેની સેવા કરવા મેં આપ્યાં છે.
7તેના દેશને માટે નિર્માણ થયેલ સમય આવે ત્યાં સુધી બધી પ્રજાઓ તેની અને તેના દીકરાની અને તેના દીકરાના દીકરાની સેવા કરશે. ત્યારે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓ તેની પાસે સેવા કરાવશે.
8વળી જે પ્રજા અને રાજ્ય તેની એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરશે નહિ. અને પોતાની ગરદન પર બાબિલના રાજાની ઝૂંસરી નહિ મૂકશે. તે પ્રજાને હું તેને હાથે નષ્ટ કરું ત્યાં સુધી તલવાર, દુકાળ અને મરકી મોકલીને તેને હું શિક્ષા કરીશ.’ એવું યહોવાહ કહે છે. જેથી અંતે તે બાબિલના હાથમાં સોંપાઈ જાય.
9માટે તમે તમારા પ્રબોધકો, જોશીઓ, તમારા સ્વપ્ન જોનારાઓ, ભૂવાઓ અને જંતરમંતર કરનારાઓ જેઓ તમને કહે કે, ‘તમે બાબિલના રાજાની સેવા કરશો નહિ.’ તો તેની તરફ ધ્યાન ના આપશો.
10કેમ કે તમને તમારા વતનમાંથી દૂર કરવા માટે હું તમને તમારી ભૂમિમાથી હાંકી કાઢું અને તમે નાશ પામો તે માટે તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે.
11પણ જો કોઈ પ્રજા બાબિલના રાજાની ઝૂંસરી ગરદન પર મૂકશે અને તેના દાસ થશે, તો હું તેને પોતાની ભૂમિમાં રહેવા દઈશ.’ તેઓ ત્યાં ખેતી કરશે અને વસશે. એમ યહોવાહ કહે છે.”
12તેથી મેં યહૂદિયાના રાજા સિદકિયાને આ બધી બાબતો કહી કે; “તમે તમારી ગરદનો પર બાબિલના રાજાની ઝૂંસરી મૂકશો તો તમે જીવતા રહેશો.
13જે પ્રજા બાબિલના રાજાની સેવા ન કરે તેના વિષે યહોવાહ બોલ્યા છે. તે પ્રમાણે તમે એટલે તું તથા તારી પ્રજા તલવાર, દુકાળ અને મરકીથી શા માટે મરો?
14જે પ્રબોધકો તમને એમ કહે છે કે, ‘તમે બાબિલના રાજાની સેવા કરશો નહિ,’ તેમની વાત તમારે સાંભળવી નહિ. તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે.
15કેમ કે યહોવાહ કહે છે કે, મેં તેમને મોકલ્યા નથી.” “તોપણ તેઓ મારા નામે તમને જૂઠું ભવિષ્ય કહે છે જેથી હું તમને આ દેશમાંથી નસાડી મૂકું અને જે પ્રબોધકો ખોટું ભવિષ્ય કહે છે તે પ્રબોધકો સાથે તમે નાશ પામો.”
16વળી મેં યાજકો અને બધા લોકોને કહ્યું કે, યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જે પ્રબોધકો તમને એમ કહે છે કે, ‘જુઓ, યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો થોડા જ વખતમાં બાબિલમાંથી જલદી પાછા લાવવામાં આવશે તેમની વાત તમે સાંભળશો નહિ. તેઓ તમને જૂઠું ભવિષ્ય કહે છે.’
17તેઓનું કહેવું તમે સાંભળશો નહિ. બાબિલના રાજાની શરણાગતિ સ્વીકારશો તો તમે જીવતા રહેશો, શા માટે આખું નગર ઉજ્જડ થાય?
18પણ જો તેઓ સાચા પ્રબોધકો હોય અને જો સાચે જ યહોવાહનું વચન તેઓની પાસે આવ્યું હોય, તો યહોવાહના ઘરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં અને યરુશાલેમમાં બાકી રહેલાં પાત્રો બાબિલ ન લઈ જાય તે માટે તેઓએ સૈન્યના યહોવાહને વિનંતી કરવી.’”
19તેથી સૈન્યોના યહોવાહ આ વિષે કહે છે કે, સ્થંભ, સમુદ્ર, પાયા તથા પાત્રો તે લઈ ગયો નહિ, પણ આ નગરમાં હજી રહેલાં છે.
20પણ બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને તથા યહૂદિયાના તેમ જ યરુશાલેમના સર્વ કુલીન લોકોને યરુશાલેમમાંથી બાબિલમાં બંદીવાસમાં લઈ ગયો.
21જે પાત્રો યહોવાહના ઘરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં તથા યરુશાલેમમાં હજુ રહેલાં છે, તેના વિષે ઇઝરાયલના ઈશ્વર સૈન્યોના યહોવાહ કહે છે કે,
22‘તેઓને બાબિલમાં લઈ જવામાં આવશે અને હું જ્યાં સુધી તેઓ પર ધ્યાન નહિ આપું ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે.’ એમ યહોવાહ કહે છે. ‘પછી હું તેઓને લાવીને આ સ્થળે મૂકીશ.’”

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.