A prophet guiding exiles from a refiner's furnace toward a bright road as water flows from rock

યશાયા 48

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ઇઝરાયલ વફાદાર આજ્ઞાપાલન વગર પરમેશ્વરના નામનો ઉપયોગ કરે છે, તેથી યશાયા સમજાવે છે કે પહેલાની ભવિષ્યવાણીઓ મૂર્તિઓને શ્રેય લેવાથી રોકે છે. પરમેશ્વર ગુસ્સો રોકે છે, પોતાના લોકોને શુદ્ધ કરે છે, બાબેલથી નીકળવાનો હુકમ કરે છે, અને અરણ્યનું પાણી પૂરું પાડે છે.
શુદ્ધિકરણઆજ્ઞાપાલનનિર્ગમનશાંતિ
1હે યાકૂબનાં સંતાનો, આ સાંભળો, જેઓને ઇઝરાયલના નામથી બોલવવામાં આવ્યા છે અને યહૂદિયાના ઝરાથી નીકળી આવેલા છો; તમે જેઓ યહોવાહના નામે સમ ખાઓ છો અને ઇઝરાયલના ઈશ્વરને આહવાન આપો છો, પણ નિષ્ઠાપૂર્વક કે ન્યાયની રીતે નહિ.
2કેમ કે તેઓ પોતાને પવિત્ર નગરના લોકો કહેવડાવે છે અને ઇઝરાયલના ઈશ્વર પર ભરોસો રાખે છે; જેનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે.
3મેં અગાઉની બિનાઓને પ્રગટ કરી હતી; તે મારા મુખેથી નીકળી હતી અને મેં તેઓને જાહેર કરી હતી; પછી મેં અચાનક તે પૂરી કરી અને તેઓ તેમાંથી પસાર થયા.
4કારણ કે મને ખબર છે કે તમે હઠીલા હતા, તાર ગળાના સ્નાયુઓ લોખંડ જેવા અને તારું કપાળ પિત્તળ જેવું છે.
5તેથી મેં તમને પુરાતન કાળથી જાહેર કર્યું હતું; તે થયા પહેલાં મેં અગાઉથી તમને કહી સંભળાવ્યું હતું, જેથી તમે કહી ના શકો કે, “મારી મૂર્તિએ તેઓને આ કર્યુ છે,” અથવા “મારી કોરેલી મૂર્તિએ તથા ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે.”
6તમે તે સાંભળ્યું છે; આ સર્વ પુરાવા જુઓ; અને શું તમે એ સ્વીકારશો નહિ કે મેં જે કહ્યું તે સત્ય છે? હવેથી હું તમને નવી અને ગુપ્ત રાખેલી બિનાઓ કે જે તમે જાણી નથી, તે તમને કહી સંભળાવું છું.
7હમણાં, તે ઉત્પન્ન થઈ છે, અગાઉથી તે નહોતી અને આજ સુધી તેં તે સાંભળી પણ નહોતી, તેથી તું એમ કહી શકીશ નહિ, “હા, હું તે જાણતો હતો.”
8વળી તેં કદી સાંભળ્યું નહિ; તેં જાણ્યું નહિ; તારા કાન આ બાબતો વિષે અગાઉથી ઊઘડ્યા નહિ. કેમ કે હું જાણતો હતો કે તું તદ્દન કપટી અને જન્મથી તું બંડખોર છે.
9મારા નામની ખાતર હું મારો કોપ મુલતવી રાખીશ અને મારા સન્માનની ખાતર હું તારો નાશ કરવામાં ધીરજ રાખીશ.
10જુઓ, મેં તને ચોખ્ખો કર્યો છે, પણ ચાંદીની માફક નહિ; મેં તને વિપત્તિરૂપી ભઠ્ઠીમાં શુદ્ધ કર્યો છે.
11મારા પોતાની ખાતર, મારા પોતાની ખાતર હું તે કાર્ય કરીશ; કેમ કે હું કેવી રીતે મારું નામ અપમાનિત થવાની મંજૂરી આપી શકું? હું મારો મહિમા બીજા કોઈને આપીશ નહિ.
12હે યાકૂબ અને મારા બોલાવેલા ઇઝરાયલ, મારું સાંભળો: હું તે જ છું; હું જ પ્રથમ, હું જ છેલ્લો છું.
13હા, મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો અને મારે જમણે હાથે આકાશોને પ્રસાર્યાં; જ્યારે હું તેઓને બોલાવું છું ત્યારે તેઓ એકસાથે ઊભા થાય છે.
14તમે સર્વ એકત્ર થાઓ અને સાંભળો; તમારામાંથી કોણે આ બાબતો જાહેર કરી છે? યહોવાહના સાથીઓ બાબિલ વિરુદ્ધ તેનો હેતુ પૂરો કરશે. તે ખાલદીઓ વિરુદ્ધ યહોવાહની ઇચ્છા પૂર્ણ કરશે.
15હું, હા, હું જ તે બોલ્યો છું, મેં તેને બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું અને તે સફળ થશે.
16મારી પાસે આવો, આ સાંભળો; પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું; અને હવે પ્રભુ યહોવાહે મને અને તેમના આત્માને મોકલ્યા છે.
17તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ઇઝરાયલના પવિત્ર આ કહે છે: “હું યહોવાહ તારો ઈશ્વર છું, જે તને સફળ કેવી રીતે થવું તે તને શીખવું છું. તારે જે માર્ગે જવું જોઈએ તે પર હું તને લઈ જાઉં છું.
18જો તેં મારી આજ્ઞાઓ પાળી હોત તો કેવું સારું! પછી તારી શાંતિ અને સમૃદ્ધિ એક નદીની જેવી વહેતી હોત અને તારો ઉદ્ધાર સમુદ્રનાં મોજાં જેવો થાત.
19તારાં વંશજો રેતી જેટલા અસંખ્ય અને તારા પેટના સંતાન રેતીના કણ જેટલાં અસંખ્ય થાત; તેઓનું નામ મારી સંમુખથી નાબૂદ થાત નહિ કે મારી આગળથી કપાઈ જાત નહિ.
20બાબિલમાંથી બહાર નીકળો, ખાલદીઓની પાસેથી નાસી જાઓ! હર્ષનાદના અવાજથી આ જાહેર કરો! આ વાત પ્રગટ કરો, પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો અને કહો, “યહોવાહે પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.
21તે તેઓને રણમાં દોરી લઈ ગયા તો પણ તેઓ તરસ્યા રહ્યા નહિ; તેમણે તેઓને માટે ખડકમાંથી પાણી વહેવડાવ્યું; વળી તેમણે ખડક ફાડ્યો અને પાણી ખળખળ વહ્યું.
22યહોવાહ કહે છે, “દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.