
હિબ્રૂઓને પત્ર 2
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
વાચકોએ ઉદ્ધારના સંદેશ પર ધ્યાનપૂર્વક ધ્યાન આપવું જોઈએ. ઈસુ માનવ મરણશીલતામાં પૂરેપૂરો ભાગ લે છે, બીજાઓ વતી દુઃખ સહન કરે છે, ઘણા બાળકોને મહિમામાં લાવે છે, મૃત્યુના ડરથી ગુલામ થયેલાઓને મુક્ત કરે છે, અને દયાળુ મુખ્ય પુરોહિત બને છે.
ધ્યાન આપવુંઈસુની માનવતાડરથી સ્વતંત્રતાદયાળુ મુખ્ય પુરોહિત
1તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી તેનાથી આપણે કદી દૂર જઈએ નહિ, તે માટે તેના પર આપણે વધારે કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ.
2કેમ કે જો સ્વર્ગદૂતો દ્વારા કહેલું વચન સત્ય ઠર્યું અને દરેક પાપ તથા આજ્ઞાભંગ કરનારાઓને યોગ્ય બદલો મળ્યો,
3તો આપણે આ મહાન ઉદ્ધાર વિષે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે ઉદ્ધારની વાત પહેલાં ઈશ્વરે પોતે કહી, પછી સાંભળનારાઓએ તેની ખાતરી અમને કરી આપી.
4ઈશ્વર પણ ચમત્કારિક ચિહ્નોથી, આશ્ચર્યકર્મોથી, વિવિધ પરાક્રમી કામોથી તથા પવિત્ર આત્માએ પોતાની ઇચ્છા પ્રમાણે આપેલાં દાનથી તેઓની સાથે સાક્ષી આપતા રહ્યાં છે.
5કેમ કે જે આગામી યુગ સંબંધી અમે તમને કહીએ છીએ તેનું નિયંત્રણ તેમણે સ્વર્ગદૂતોને આધીન કર્યું નથી.
6પણ ગીતકર્તા દાઉદ જણાવે છે કે, ‘માણસ વળી કોણ છે, કે તમે તેનું સ્મરણ કરો છો? અથવા મનુષ્યપુત્ર કોણ છે કે તમે તેની મુલાકાત લો છો?
7તેમણે તેને થોડા સમય માટે સ્વર્ગદૂતો કરતાં ઊતરતો કર્યો છે; અને તેના મસ્તક પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. તમારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે.
8તમે સમગ્ર સૃષ્ટિ તેના હાથમાં સોંપી છે; આમ બધું તેને સ્વાધીન કરવાથી તેને સુપ્રત કર્યું ના હોય એવું કંઈ બાકાત રાખ્યું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજી સુધી આપણી નજરે પડતું નથી.
9પણ ઈશ્વરની કૃપાથી સઘળાં માણસને માટે મૃત્યુ પામવાને અર્થે જેમને સ્વર્ગદૂતો કરતાં થોડીવાર સુધી ઊતરતા કરવામાં આવ્યા છે, અને મરણ સહેવાને લીધે જેમનાં પર મહિમા તથા ગૌરવનો મુગટ મૂકવામાં આવ્યો, તે ઈસુને જોઈએ છીએ.
10કેમ કે જેમને માટે બધું છે, તથા જેમનાંથી સઘળાં ઉત્પન્ન થયાં છે, તેમને એ યોગ્ય હતું કે, તે ઘણાં દીકરાઓને મહિમામાં લાવતાં તેઓના ઉદ્ધારના અધિકારીને દુઃખ ભોગવવાથી પરિપૂર્ણ કરે.
11કેમ કે જે પવિત્ર કરે છે અને જે પવિત્ર કરાય છે, તે સઘળાં એકથી જ છે, એ માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતા નથી.
12તે કહે છે કે, “હું તમારું નામ ભાઈઓને પ્રગટ કરીશ, વિશ્વાસી સમુદાયમાં ગીત ગાતાં હું તમારી સ્તુતિ કરીશ.
13હું તેમના પર ભરોસો રાખીશ; વળી, જુઓ, હું તથા જે બાળકો ઈશ્વરે મને આપ્યાં છે તેઓ ભરોસો કરીશું.”
14જેથી બાળકો માંસ તથા લોહીનાં બનેલાં હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરે.
15અને મરણની બીકથી જે પોતાના આખા જીવનભર ગુલામ જેવા હતા તેઓને પણ મુક્ત કરે.
16કેમ કે નિશ્ચે તે સ્વર્ગદૂતોની સહાય નથી કરતા, પણ ઇબ્રાહિમનાં સંતાનની સહાય કરે છે.
17એ માટે તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, કે લોકોનાં પાપો માટે પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતો સંબંધી તેઓ દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.
18કેમ કે તેમનું પરીક્ષણ થવાથી તેમણે એટલા માટે દુઃખ સહન કર્યું કે જેઓનું પરીક્ષણ થાય છે, તેઓને સહાય કરવાને તે સર્વશક્તિમાન છે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.