Joseph watching his adult brother Benjamin across a banquet shared with their brothers

ઉત્પત્તિ 43

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
ઉત્પત્તિ 43 યહૂદા બિન્યામીનની સલામતીની ખાતરી આપ્યા પછી ભાઈઓના બિન્યામીન સાથે મિસર પાછા ફરવાને ફોલો કરે છે. તેઓ ભેટો અને બમણી ચુકવણી લાવે છે, પાછા આપેલા ચાંદીથી ડરતા. યૂસફ તેમનું ભોજન સમારંભમાં સ્વાગત કરે છે, બિન્યામીનને જોઈને ઊંડો પ્રભાવિત થાય છે, અને તેને મોટો ભાગ આપે છે.
બિન્યામીનજવાબદારીઆતિથ્યછુપાયેલી લાગણી
1કનાન દેશમાં ભયંકર દુકાળ તો વ્યાપેલો જ હતો.
2તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા, તે પૂરું થવા આવ્યું હતું ત્યારે તેઓના પિતાએ તેઓને કહ્યું, “તમે ફરીથી જઈને આપણે માટે અન્ન વેચાતું લઈ આવો.”
3યહૂદાએ તેને કહ્યું, “તે માણસે અમને ગંભીરતાથી ચેતવણી આપેલી છે, ‘જો તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.’
4જો તું અમારા ભાઈને અમારી સાથે મોકલે તો જ અમે જઈને આપણે માટે અનાજ લાવી શકીએ એવું છે.
5પણ જો તું તેને નહિ મોકલે તો અમે જઈશું નહિ. કેમ કે તે માણસે અમને કહ્યું છે, ‘તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.’”
6ઇઝરાયલે કહ્યું, “અમારો બીજો ભાઈ છે, એમ તે માણસને કહીને તમે મારી સાથે આવું વર્તન કેમ કર્યું?”
7તેઓએ કહ્યું, “આપણા વિષે તથા આપણા કુટુંબ વિષે તે માણસે પૂછપરછ કરીને કહ્યું, ‘શું તમારો પિતા હજુ હયાત છે? શું તમારો બીજો કોઈ ભાઈ છે?’ અમે તેના પ્રશ્નો પ્રમાણે તેને ઉત્તર આપ્યો. અમને શું ખબર કે તે એમ કહેશે, ‘તમારા ભાઈને અહીં લાવો?’”
8યહૂદાએ તેના પિતા ઇઝરાયલને કહ્યું, “અમારી સાથે બિન્યામીનને મોકલ કે, અમે રવાના થઈએ અને મિસરમાંથી અનાજ લાવીએ કે જેથી આપણે જીવતા રહીએ અને મરી જઈએ નહિ.
9હું તેની ખાતરી આપું છું કે તું તેને મારી પાસેથી માગજે. જો હું તેને તારી પાસે ન લાવું અને તેને તારી આગળ રજૂ ન કરું, તો તેનો દોષ સદા મારા પર રહેશે.
10કેમ કે જો આપણે વિલંબ કર્યો ન હોત, તો ચોક્કસ અમે અત્યાર સુધીમાં બીજીવાર જઈને પાછા આવ્યા હોત.”
11ઇઝરાયલે તેઓને કહ્યું, “હવે જો એમ જ હોય, તો આ દેશની કેટલીક ઉત્તમ ચીજ વસ્તુઓ તે માણસને ભેટ તરીકે આપવા માટે તમારી સાથે લઈ જાઓ: ખાસ કરીને દેશની ઔષધ, મધ, મસાલા, બોળ, પિસ્તા તથા બદામ લઈ જાઓ.
12તમારી મોટી ગૂણોમાં મૂકીને પાછું અપાયેલું નાણું પણ લઈ જાઓ. કદાચ એ ભૂલથી આવી ગયું હશે.
13તમારા ભાઈ બિન્યામીનને પણ સાથે લઈ જાઓ. તૈયાર થાઓ અને મિસરમાં તે માણસ પાસે ફરીથી જાઓ.
14સર્વસમર્થ ઈશ્વર તમને તે માણસ દ્વારા કૃપા દર્શાવે કે જેથી તે તમારી સાથે તમારા બીજા ભાઈને તથા બિન્યામીનને મુક્ત કરે. જો મારે મારા દીકરાથી વંચિત થવાનું થાય તો તે સહન કરવું જ પડશે.
15તેઓએ ભેટ લીધી, બમણાં નાણાં લીધાં અને બિન્યામીનને સાથે લઈને તેઓ મિસરમાં ગયા; અને યૂસફની સમક્ષ આવીને ઊભા રહ્યા.
16જયારે યૂસફે તેઓની સાથે બિન્યામીનને જોયો, ત્યારે તેણે તેના ઘરના કારભારીને કહ્યું, “આ માણસોને ઘરમાં લઈ આવ, પશુને કાપીને તેને રાંધીને તે માણસોને માટે તૈયાર કર; કે જેથી તેઓ બપોરે મારી સાથે જમે.”
17જે પ્રમાણે યૂસફે કહ્યું હતું તે પ્રમાણે કારભારીએ કર્યું. તે તેઓને યૂસફના ઘરે લઈ આવ્યો.
18તેઓને યૂસફના ઘરમાં લાવવામાં આવ્યા તેથી તેઓને બીક લાગી. તેઓ બોલ્યા, “આપણે પ્રથમ વાર આવ્યા ત્યારે આપણા થેલાઓ સાથે જે નાણું પાછું આપવામાં આવ્યું હતું, તેને કારણે તે આપણી વિરુદ્ધ તક શોધતો હોય એવું શક્ય છે. તે કદાચ આપણી અટકાયત કરે, આપણને ગુલામ બનાવે અને આપણા ગધેડાં પણ જપ્ત કરી લે ખરો.”
19તેઓ યૂસફના ઘરના કારભારી પાસે ગયા, ઘરના દરવાજા આગળ તેઓએ વાતચીત કરતાં તેને કહ્યું,
20“ઓ અમારા માલિક, અમે પ્રથમવાર અનાજ ખરીદવાને આવ્યા હતા.
21ત્યારે એવું બન્યું હતું કે, અમે જયારે અમારા ઉતારાના સ્થાને પહોંચ્યા અને અમે અમારા થેલાઓ છોડ્યા, ત્યારે અમારામાંના દરેકની ગૂણોમાં અમે ચૂકવેલાં નાણાં અમારા જોવામાં આવ્યાં. અમે તે નાણાં પાછાં લાવ્યા છીએ.
22તે ઉપરાંત વધારાનાં નાણાં પણ અમે અનાજ ખરીદવા લાવ્યા છીએ. અમારા થેલાઓમાં નાણાં કોણે મૂકેલાં હતાં એ અમે જાણતા નથી.”
23કારભારીએ કહ્યું, “તમને શાંતિ થાઓ, ગભરાશો નહિ. તમારા તથા તમારા પિતાના ઈશ્વરે જ એ નાણું તમારા થેલાઓમાં મૂક્યું હશે. મને તમારા નાણાં મળ્યા હતા.” ત્યાર પછી કારભારી શિમયોનને તેઓની પાસે લાવ્યો.
24પછી કારભારી બધા ભાઈઓને યૂસફના ઘરમાં લઈ ગયો. તેણે તેઓને પાણી આપ્યું અને તેઓએ પગ ધોયા. તેણે તેઓનાં ગધેડાંને ચારો આપ્યો.
25તેઓએ જાણ્યું કે અમારે યૂસફના ઘરે જમવાનું છે, માટે યૂસફ ઘરે આવે તે પહેલા તેઓએ ભેટો તૈયાર કરી.
26જયારે યૂસફ ઘરમાં આવ્યો, ત્યારે તેઓના હાથમાં જે ભેટો હતી તે તેની પાસે ઘરમાં લઈ આવીને જમીન સુધી નમીને પ્રણામ કર્યાં.
27યૂસફે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “જે વૃદ્ધ પિતા વિષે તમે મને કહ્યું હતું તે શું ક્ષેમકુશળ છે? તે શું હજી હયાત છે?”
28તેઓએ કહ્યું, “તારો દાસ અમારો પિતા ક્ષેમકુશળ છે. તે હજી હયાત છે.” ફરીથી તેઓએ નમીને યૂસફને પ્રણામ કર્યાં.
29યૂસફે તેના ભાઈ બિન્યામીનને એટલે તેની માતાના દીકરાને જોયો અને બોલ્યો, “શું આ તમારો સૌથી નાનો ભાઈ છે કે જેના વિષે તમે મને કહ્યું હતું? “તેણે પૂછ્યું, “મારા દીકરા, તું કેમ છે? ઈશ્વરની કૃપા તારા પર થાઓ.”
30યૂસફ ઉતાવળથી ઓરડાની બહાર ચાલ્યો ગયો, કારણ કે તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું. ત્યાં જઈને તે રડ્યો.
31તેણે પોતાનો ચહેરો ધોયો અને બહાર આવ્યો. તેની લાગણીઓ દબાવી રાખીને બોલ્યો, “ચાલો, આપણે જમીએ.”
32દાસોએ યૂસફને માટે, તેના ભાઈઓને માટે તથા જે મિસરીઓ તેની સાથે જમવાના હતા તેઓને માટે અલગ અલગ ટેબલ પર ભોજન પીરસ્યું. કેમ કે મિસરીઓ હિબ્રૂઓ સાથે જમતા ન હતા, કેમ કે મિસરીઓ તેઓ સાથે અમંગળપણું લાગે છે.
33યૂસફે ભાઈઓને તેઓની ઉંમર પ્રમાણે પ્રથમજનિતથી માંડીને મોટાથી નાના સુધી દરેકને ક્રમાનુસાર બેસાડ્યા હતા. તેથી તેઓ અંદરોઅંદર વિસ્મિત થયા.
34યૂસફના ટેબલ પરના ખોરાકમાંથી ભાઈઓને પીરસવામાં આવ્યું. બિન્યામીનને બધાના કરતાં પાંચગણું વધારે પીરસાયું. તેઓ સંતોષથી જમ્યા અને યૂસફની સાથે આનંદ કર્યો. પછી પુષ્કળ પ્રમાણમાં દ્રાક્ષારસ પણ આપવામાં આવ્યો.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.