Regional officials confronting Judean elders as discouraged builders pause among unfinished temple stones

એઝરા 4

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
વિરોધીઓ પહેલા સમાધાનવાળી મદદ આપે છે, પછી બાંધનારાઓને નિરાશ કરે છે અને તેમની વિરુદ્ધ સલાહકારો ભાડે રાખે છે. પછીના આરોપો ફારસી રાજાઓ સુધી પહોંચે છે, અને દારયાવેશના બીજા વર્ષ સુધી સત્તાવાર બળ યરૂશાલેમનું પુનર્નિર્માણ અટકાવે છે.
વિરોધનિરાશાવિલંબદ્રઢતા
1હવે યહૂદિયાના તથા બિન્યામીનના દુશ્મનોએ સાંભળ્યું કે બંદીવાસમાંથી મુક્ત થયેલા લોકો, ઇઝરાયલના ઈશ્વર, યહોવાહનું ભક્તિસ્થાન બાંધે છે.
2તેથી તેઓએ ઝરુબ્બાબેલ તથા તેઓના પૂર્વજોના કુટુંબનાં મુખ્ય વડીલો પાસે આવીને તેઓને કહ્યું, “અમને પણ તમારી સાથે બાંધકામમાં સામેલ થવા દો, કારણ કે આશ્શૂરનો રાજા એસાર-હાદ્દોન જે અમને અહીં લઈ આવ્યો તે દિવસોથી, અમે પણ, તમારી જેમ તમારા ઈશ્વરના ઉપાસક છીએ અને અમે તેમની આગળ અર્પણ કરતા આવ્યા છીએ.”
3પણ ઝરુબ્બાબેલ, યેશૂઆ અને ઇઝરાયલના પૂર્વજોના કુટુંબનાં મુખ્ય વડીલોએ તેઓને કહ્યું, “તમારે નહિ, પણ અમારે અમારા ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવું જોઈએ. જેમ ઇરાનના રાજા કોરેશે આજ્ઞા આપી છે તેમ, અમે પોતે જ એકત્ર થઈને ઇઝરાયલના ઈશ્વર, યહોવાહના માટે એ બાંધકામ કરીશું.”
4તેથી તે સ્થળના લોકોએ યહૂદિયાના લોકોને ડરાવી, તેઓને બાંધકામ કરતાં અટકાવાનો પ્રયત્ન કર્યો.
5વધુમાં તે સ્થળના લોકોએ, તેઓના ઇરાદાઓને નાસીપાસ કરવા માટે, ઇરાનના રાજા કોરેશના સઘળાં દિવસો દરમિયાન તથા ઇરાનના રાજા દાર્યાવેશના રાજ્યકાળ સુધી, સલાહકારોને લાંચ આપી.
6પછી અહાશ્વેરોશ રાજાના રાજ્યકાળની શરૂઆતમાં તેઓએ યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓ વિરુદ્ધ તહોમત મૂકીને કાગળ લખ્યો.
7આર્તાહશાસ્તાના દિવસોમાં, બિશ્લામે, મિથ્રદાથે, તાબેલે તથા તેના બીજા સાથીઓએ, ઇરાનના રાજા આર્તાહશાસ્તા ઉપર એક પત્ર અરામી લિપિમાં લખ્યો. તેનો અર્થ અરામી ભાષામાં દર્શાવેલો હતો.
8ન્યાય ખાતાના વડા રહૂમે તથા પ્રધાન શિમ્શાયે, યરુશાલેમ વિરુદ્ધ આર્તાહશાસ્તા રાજાને પત્ર લખ્યો.
9રહૂમ, પ્રધાન શિમ્શાય તથા તેના સાથીદારો; દિનાયેઓ, અફર્સાતકયેઓ, ટાર્પેલાયેઓ, અફાર્સાયેઓ, આર્કવાયેઓ, બાબિલ વાસીઓ, સુસા, દેહાયેઓ તથા એલામીઓ
10અને બાકીની બધી પ્રજાઓ, જેઓને મોટા તથા ખાનદાન ઓસ્નાપ્પારે લાવીને સમરુન નગરમાં તથા નદી પારના બાકીના દેશમાં વસાવ્યા હતા, તે સર્વ પત્ર લખવામાં સામેલ હતા.
11તેઓએ આર્તાહશાસ્તાને જે પત્ર લખ્યો તેની નકલ આ પ્રમાણે છે: “નદી પારના આપના સેવકો આપને લખી જણાવે છે:
12રાજા, આપને માલુમ થાય કે જે યહૂદીઓ તમારા ત્યાંથી આવ્યા છે તેઓ, બળવાખોર નગર યરુશાલેમના પુન: બાંધકામ કરવા દ્વારા અમારી સામે થયા છે. તેઓ દીવાલોનું બાંધકામ પૂર્ણ કર્યું છે અને પાયાનું સમારકામ કર્યું છે.
13હવે આપને જાણ થાય કે જો આ નગરની દીવાલનું કાર્ય પૂર્ણ થશે અને નગર બંધાશે તો તેઓ ખંડણી કે કરવેરા આપશે નહિ પણ તેઓ રાજાઓને નુકસાન કરશે.
14નિશ્ચે અમે આપના મહેલનું અન્ન ખાધું છે તેથી આપનું અપમાન થાય તે જોવું, અમને શોભતું નથી. તેથી અમે સંદેશો મોકલીને આપને જાણ કરીએ છીએ
15કે, આપના પિતાના હેવાલને તપાસી ખાતરી કરવામાં આવે કે આ નગર બંડખોર છે, જે રાજાઓને તથા પ્રાંતોને નુકસાન કરશે. આ નગરે રાજાઓ અને પ્રાંતોને ખૂબ તકલીફો પહોંચાડી છે. ઘણાં સમયથી આ નગર બળવાનું સ્થાન રહ્યું હતું અને તે જ કારણસર આ નગરનો નાશ કરવામાં આવ્યો હતો.
16હે રાજા અમે આપને જણાવીએ છીએ કે જો ફરીથી આ કોટ તથા નગર બંધાશે, તો પછી મહા નદીની પાર આપની કંઈ પણ હકૂમત રહેશે નહિ.”
17એ વાંચીને રાજાએ રહૂમને, શિમ્શાયને તથા સમરુનમાં તથા નદી પરના બાકીના દેશમાં તેઓના જે બીજા સાથીઓ રહેતા હતા તેઓને જવાબ મોકલ્યો કે, “તમે ક્ષેમકુશળ હો!
18જે પત્ર તમે મને મોકલ્યો હતો, તેને અનુવાદિત કરાવીને મારી સમક્ષ સ્પષ્ટતા સાથે વાંચી સંભળાવવામાં આવ્યો છે.
19પછી મેં આદેશ આપી તપાસ કરાવી અને મને જણાયું છે કે ભૂતકાળમાં ઘણાં રાજાઓ સામે તેઓએ બળવો તથા તોફાન કર્યા હતાં.
20યરુશાલેમમાં જે પ્રતાપી રાજાઓએ નદી પારના આખા દેશ પર હકૂમત ચલાવી છે, તેમને લોકો કર તથા જકાત આપતા હતા.
21માટે હવે તમારે એવો હુકમ ફરમાવવો જોઈએ કે, એ લોકોનાં કામ બંધ કરવામાં આવે અને બીજી આજ્ઞા થતાં સુધી એ નગર બંધાય નહિ.
22સાવધાન રહેજો, આ બાબતની જરાપણ અવગણના કરશો નહિ. રાજ્યને નુકસાન થાય એવું શા માટે થવા દેવું જોઈએ?”
23જ્યારે આર્તાહશાસ્તા રાજાનો આ પત્ર રહૂમ, શિમ્શાય તથા તેમના બીજા સાથીઓને વાંચી સંભળાવવામાં આવ્યો ત્યારે તેઓએ ઝડપથી યરુશાલેમ આવીને જોરજુલમથી યહૂદીઓને બાંધકામ કરતા અટકાવ્યા.
24તેથી યરુશાલેમમાંના ઈશ્વરના ઘરનું બાંધકામ અટકી ગયું. અને ઇરાનના રાજા દાર્યાવેશના શાસનકાળના બીજા વર્ષ સુધી સ્થગિત રહ્યું.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.