
હઝકિયેલ 21
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
જમીન વિરુદ્ધ તીક્ષ્ણ કરેલી તલવાર ખેંચાય છે, હઝકિયેલને જાહેરમાં કણસાવે છે. બાબેલનો રાજા જાદુટોણાનો ઉપયોગ કરતાં ચોકમાં ઊભો છે, અને નિર્ણય યરૂશાલેમ તરફ ઈશારો કરે છે. યોગ્ય શાસન ન આવે ત્યાં સુધી રાજકુમારનો તાજ કાઢી લેવાય છે, જ્યારે આમ્મોન પણ ન્યાયચુકાદોનો સામનો કરે છે.
તલવારબાબેલયરૂશાલેમરાજાપણું
1યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
2“હે મનુષ્યપુત્ર, તારું મુખ યરુશાલેમ તરફ ફેરવ, પવિત્રસ્થાન સામે બોલ; ઇઝરાયલ દેશ વિરુદ્ધ ભવિષ્યવાણી કર.
3ઇઝરાયલ દેશને કહે, યહોવાહ આમ કહે છે: જુઓ, હું તારી વિરુદ્ધ છું. હું મારી તલવાર મ્યાનમાંથી ખેંચીને તમારામાંથી ન્યાયી માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરીશ.
4તમારામાંથી ન્યાયી માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરવા માટે મારી તલવાર મ્યાનમાંથી બહાર નીકળીને દક્ષિણથી તે ઉત્તર સુધી સર્વ માણસો ઉપર ધસી આવશે.
5ત્યારે સર્વ માણસો જાણશે કે મેં યહોવાહે મ્યાનમાંથી મારી તલવાર ખેંચી છે. તે કદી પાછી જશે નહિ!’”
6હે મનુષ્યપુત્ર, નિસાસા નાખ તારી કમર ભાંગવાથી તથા દુ:ખથી તેઓનાં દેખતાં નિસાસા નાખ.
7જ્યારે તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે તારે કહેવું, ‘જે આવે છે તેના સમાચારને લીધે એમ થશે કે, ત્યારે દરેક હૃદય ભાંગી પડશે અને સર્વ હાથ કમજોર થઈ જશે. દરેક નિર્બળ થઈ જશે, દરેક ઘૂંટણ પાણી જેવાં ઢીલાં થઈ જશે. જુઓ! પ્રભુ યહોવાહ આમ કહે છે, તે આવે છે અને તે પ્રમાણે કરવામાં આવશે.”
8ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
9હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને કહે, પ્રભુ આમ કહે છે, હે તલવાર, હે તલવાર, હા, તને ધારદાર તથા ચમકતી બનાવવામાં આવી છે.
10મોટો સંહાર કરવા માટે તને ધારદાર બનાવેલી છે. વીજળીની જેમ ચમકારા મારવા માટે તેને ધારદાર બનાવી છે. મારા દીકરાના રાજદંડમાં શું આપણે આનંદ મનાવીશું? આવનાર તલવાર દરેક રાજદંડને તુચ્છકારે છે.
11તેનો ઉપયોગ કરવા માટે તલવાર ચકચકતી બનાવી છે. સંહારકના હાથમાં સોંપવા માટે તેને ધારદાર તથા ચકચકતી બનાવી છે.
12હે મનુષ્યપુત્ર, પોક મૂક તથા વિલાપ કર, કેમ કે તલવાર મારા લોકો પર આવી પડી છે. તે ઇઝરાયલના સર્વ આગેવાનો પર આવી પડી છે જેઓને તલવારને સ્વાધીન કરવામાં આવ્યા છે તેઓ મારા લોકો છે, તેથી દુઃખમાં તારી જાંઘો પર થબડાકો માર.
13કેમ કે આ તો કસોટી છે, પ્રભુ યહોવાહ કહે છે રાજદંડનો અંત આવશે તો શું?’
14હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને તારા હાથથી તાળીઓ પાડ, પ્રાણઘાતક ઘા કરનારી તલવારને ત્રણ ઘણી તેજ કર. એ તો કતલ કરનારી તલવાર છે, ચારેબાજુ ઘા કરનાર તલવારથી ઘણાંઓની કતલ થાય છે.
15તેઓનાં હૃદય પીગળાવવા તથા તેઓનાં લથડિયાં વધી જાય માટે, મેં તેઓના દરવાજા સામે તલવાર મૂકી છે. અને, તેને વીજળી જેવી કરે છે અને સંહાર કરવાને સજ્જ છે.
16હે તલવાર, તું તારી ડાબી બાજુ તથા તારી જમણી બાજુ સંહાર કર. જે બાજુ તારું મુખ રાખેલું હોય તે બાજુ જા.
17હું પણ મારા હાથથી તાળી પાડીશ અને મારા ક્રોધને શાંત પાડીશ, હું યહોવાહ આ બોલ્યો છું.”
18ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
19“હવે, હે મનુષ્યપુત્ર, બાબિલના રાજાની તલવાર આવવાને બે માર્ગ ઠરાવ. તે બન્ને એક જ દેશમાંથી નીકળે, માર્ગના મુખ્ય નગરમાં જવાના માર્ગમાં નિશાન મૂક.
20આમ્મોનીઓના નગર રાબ્બાહમાં બાબિલીઓના સૈન્યને આવવાનો એક માર્ગ બનાવ. બીજો માર્ગ યહૂદિયામાં એટલે કોટવાળા યરુશાલેમમાં આવવાનો માર્ગ બનાવ.
21કેમ કે બાબિલનો રાજા જ્યાં રસ્તો ફંટાય છે ત્યાં બે માર્ગના મથક આગળ શકુન જાણવા ઊભો છે. તે આમતેમ તીર હલાવે છે અને મૂર્તિઓની સલાહ લે છે. તે ઘરમૂર્તિઓનું અવલોકન કરે છે.
22તેના જમણા હાથમાં યરુશાલેમ સંબંધી શકુન આવ્યા હતા, ત્યાં કિલ્લો તોડવાનાં યંત્રો ગોઠવવા, હત્યાનો હુકમ કરવા મુખ ઉઘાડવાં. મોટે ઘાંટે હોકારો પાડવા, દરવાજા તોડવાના યંત્રો ગોઠવવા, મોરચા ઉઠાવવા, કિલ્લાઓ બાંધવા!
23બાબિલીઓએ યરુશાલેમના સંબંધી સમ ખાધા છે તે તેમની નજરમાં વ્યર્થ શકુન જેવા લાગશે, પણ રાજા તેઓને સપડાવવા સારુ તેઓનો અન્યાય સ્મરણમાં લાવશે.
24તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, કેમ કે તમે તમારાં પાપ મારા સ્મરણમાં લાવ્યા છો, તમારા ઉલ્લંઘનો પ્રગટ કરવામાં આવ્યા છે. તારા એકેએક કાર્યમાં તારા પાપ પ્રગટ થાય છે. તમે યાદ આવ્યા છો, તે માટે તમે તમારા દુશ્મનોના હાથથી પકડાશો.
25હે ઇઝરાયલના અપવિત્ર અને દુષ્ટ સરદાર, તારી શિક્ષાનો અંતિમ દિવસ આવી પહોંચ્યો છે, અન્યાય કરવાના સમયનો અંત આવ્યો છે.
26પ્રભુ યહોવાહ કહે છે: તારી પાઘડી કાઢી નાખ અને મુગટ ઉતાર. હવે અગાઉના જેવી સ્થિતિ રહેવાની નથી. જે નીચે છે તે ઊંચે જશે અને જે ઊંચે છે તેને નીચે પાડવામાં આવશે.
27હું બધાનો વિનાશ કરીશ. વિનાશ, વિનાશ, પણ આ નગરીને સજા કરવા માટે જે માણસ નક્કી થયો છે તે આવે નહિ ત્યાં સુધી આ બનવાનું નથી. હું તે સર્વ તેને આપીશ.”
28હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને કહે કે, આમ્મોનીઓ વિષે તથા તેઓએ મારેલાં મહેણા વિષે પ્રભુ યહોવાહ આમ કહે છે, તલવાર, તલવાર ઘાત કરવાને તાણેલી છે, તે કતલ કરીને નાશ કરે માટે તેને ધારદાર બનાવી છે, જેથી તે વીજળીની જેમ ચમકે છે.
29જે દુષ્ટોને પ્રાણઘાતક ઘા વાગેલા છે, જેઓની શિક્ષાનો સમય તથા અન્યાયનો સમય પાસે આવી પહોંચ્યો છે તેઓની ગરદન પર નાખવાને તેઓ વ્યર્થ સંદર્શનો કહે છે તથા જૂઠા શકુન જુએ છે.
30પછી તલવારને મ્યાનમાં મૂક. તારી ઉત્પત્તિની જગાએ, જન્મભૂમિમાં, હું તારો ન્યાય કરીશ.
31હું મારો કોપ તારા પર રેડીશ, મારો કોપરૂપી અગ્નિ હું તમારા પર ફૂંકીશ. સંહાર કરવામાં કુશળ તથા પશુવત માણસોના હાથમાં હું તને સોંપી દઈશ.
32તું અગ્નિમાં બળવાનું બળતણ થશે. તારું લોહી તારા દેશમાં રેડાશે. તને યાદ કરવામાં આવશે નહિ, કેમ કે હું યહોવાહ આ બોલ્યો છું!”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.