Ezekiel reaches toward a blank scroll in radiant light while a resistant crowd gathers below

હઝકિયેલ 2

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
આત્મા હઝકિયેલને ઊભો કરે છે અને તેને બળવાખોર લોકોને બોલવા નિયુક્ત કરે છે, પછી ભલે તેઓ સાંભળે કે ઇનકાર કરે. તેણે તેમની દુશ્મનાવટથી ડરવું જોઈએ નહીં. વિલાપ અને ચેતવણીથી ભરેલી પોથી તેની સામે લંબાવાય છે તે સંદેશા તરીકે જે તેણે મેળવવો જ જોઈએ.
કમિશનહિંમતબળવોભવિષ્યવાણી
1તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારા પગ પર ઊભો રહે, એટલે હું તારી સાથે વાત કરીશ.”
2તે મારી સાથે વાત કરતો હતો ત્યારે આત્માએ મારામાં પ્રવેશીને મને પગ પર ઊભો કર્યો; મારી સાથે વાત કરનારની વાણી મેં સાંભળી.
3તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને જે બંડખોર પ્રજાએ મારી વિરુદ્ધ બંડ કર્યું તેની પાસે એટલે ઇઝરાયલ પ્રજા પાસે મોકલું છું, તેઓ તથા તેઓના પિતૃઓ આજ દિવસ સુધી મારી વિરુદ્ધ પાપ કરતા આવ્યા છે.
4તેઓના વંશજો ઉદ્ધત તથા હઠીલા હૃદયના છે. તેઓની પાસે હું તને મોકલું છું. તું તેઓને કહેજે કે, પ્રભુ યહોવાહ એવું કહે છે કે,
5ભલે પછી તેઓ સાંભળે કે ન સાંભળે. તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તેઓ જાણશે કે તેઓની વચ્ચે એક પ્રબોધક થઈ ગયો છે.
6હે મનુષ્યપુત્ર, તારે તેઓથી કે તેઓનાં વચનોથી બીવું નહિ. ભલે તારે ઝાંખરાં તથા કાંટાઓ વચ્ચે રહેવું પડે, તારે વીંછીઓ સાથે રહેવું પડે, તોપણ તું તેઓનાથી બીશ નહિ. જો કે તેઓ બંડખોર પ્રજા છે તોપણ તેઓના શબ્દોથી તારે ગભરાવું નહિ, કે તેઓના ચહેરાથી ભયભીત થવું નહિ.
7જોકે તેઓ મારા શબ્દો સાંભળે કે ન સાંભળે, તોપણ તારે તેઓને મારા વચન કહી સંભળાવવા, કેમ કે તેઓ તો બંડખોર પ્રજા છે.
8હે મનુષ્યપુત્ર, હું જે કહું છું તે સાંભળ. બંડખોર પ્રજાની જેમ તું બંડખોર થઈશ નહિ. તારુ મુખ ઉઘાડ અને હું તને આપું છું તે તું ખાઈ જા!”
9ત્યારે મેં જોયું, તો જુઓ, એક હાથ મારા તરફ લાંબો કરવામાં આવ્યો; તેમાં એક પુસ્તકનું ઓળિયું હતું.
10તેમણે તે મારી આગળ ખુલ્લું કર્યું; તેની આગળની બાજુ તથા પાછળની બાજુ લખેલું હતું, તેમાં વિલાપ, શોક તથા દુઃખ લખેલા હતાં.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.