Miriam leading women with hand drums beside the sea as Moses tends the water on the journey toward Elim

નિર્ગમન 15

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
નિર્ગમન 15 મૂસા, ઇઝરાયલ, અને મિર્યામના ગીતો દ્વારા છુટકારાની ઉજવણી કરે છે. પછી લોકો અરણ્યમાં મુસાફરી કરે છે, જ્યાં તેઓ મારાહનું પાણી કડવું હોવાથી ફરિયાદ કરે છે. પાણી પીવાલાયક બને છે, અને મુસાફરી ઝરણાં તથા ખજૂરીના ઝાડોવાળા એલીમ સુધી ચાલુ રહે છે.
ગીતછુટકારોમારાહએલીમ
1પછી મૂસાએ અને ઇઝરાયલના લોકોએ યહોવાહની સમક્ષ આ સ્તુતિગાન ગાયું: “હું યહોવાહની સમક્ષ ગાયન કરીશ, તેમણે મહાન વિજય પ્રાપ્ત કર્યો છે. તેમણે ઘોડા અને સવારોને સમુદ્રમાં ડુબાડી દીધા છે;
2યહોવાહ મારું સામર્થ્ય અને ગીત છે; તે મારો ઉદ્ધાર થયા છે. આ મારા ઈશ્વર છે અને હું તેમની સ્તુતિ કરીશ. મારા પૂર્વજોના ઈશ્વર, હું તેમને મહાન માનું છું.
3યહોવાહ તો યોદ્ધા છે, તેમનું નામ યહોવાહ છે.
4તેમણે ફારુનનાં રથદળોને સમુદ્રમાં ડુબાડી દીધા; અને તેના માનીતા સરદારોને પણ સૂફ સમુદ્રમાં ડુબાડી દીઘા છે.
5પાણીના પ્રવાહો તેઓના પર ફરી વળ્યા છે. તેઓ પથ્થરની માફક છેક તળિયે ડૂબી ગયા છે.
6હે યહોવાહ! તમારો જમણો હાથ, પરાક્રમે મહિમાવાન છે. હે યહોવાહ! તમારો જમણો હાથ શત્રુઓને પછાડીને તેમના ચૂરા કરે છે.
7તમારી સામે થનારને તમે તમારી શ્રેષ્ઠતાના માહાત્મ્યથી પાયમાલ કરો છો. તમે તમારા ભયાનક કોપથી તેઓને ઘાસના પૂળાની જેમ બાળી નાખો છો.
8હે યહોવાહ, તમારા ઉચ્છવાસથી પાણીના; અને મોજાંઓ અટકીને તેમના જાણે ઊંચા ટેકરા બની ગયા. અને દરિયાના ઊંડાણમાં જળના પ્રવાહો ઠરી ગયા.
9શત્રુએ સંકલ્પ કર્યો કે, ‘હું પાછળ પડીશ, અને હું તેઓનું ધન લૂંટી લઈશ. હું મારી તલવાર ઉગામીશ. અને મારે હાથે તેઓનો નાશ કરીશ.’
10પરંતુ હે યહોવાહ! તમે તમારો પવન ફૂંક્યો. અને સમુદ્રના પાણી તેઓ પર ફરી વળ્યાં. તેઓ સીસાની માફક સમુદ્રના મહાજળમાં ડૂબી ગયા.
11હે યહોવાહ, તમારા જેવા અન્ય કોઈ ઈશ્વર નથી? તમારા જેવા પરમપવિત્ર, મહિમાવાન; સ્તોત્રોમાં ભયજનક અને પરાક્રમી બીજા કોણ છે?
12અને પૃથ્વી તેઓને તત્કાળ ગળી ગઈ, તમે કેવળ જમણો હાથ ઊંચો કર્યો.
13તમે તમારા લોકોને છોડાવ્યા. તમારા પ્રેમ અને કરુણાથી તમારા સામર્થ્ય વડે તમે તેઓને; તમારા પવિત્ર નિવાસમાં દોરી લાવ્યા છો.
14પ્રજા આ સાંભળીને કંપે છે, સર્વ પલિસ્તી વાસીઓ પીડા પામ્યા છે.
15તે સમયે અદોમના સરદારો આશ્ચર્યચકિત થયા, મોઆબના શક્તિશાળી અને પરાક્રમી પુરુષોને ધ્રૂજારી થઈ; અને બધા કનાનવાસીઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં;
16તેઓ ઉપર ભય અને ત્રાસ આવી પડયા, અને તમે મુક્ત કરેલા લોકો જ્યાં સુધી નિશ્ચિત સ્થાને ન પહોંચો;, અને તેઓની મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી યહોવાહ, તમારા ભુજના સામર્થ્યથી તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ ગયા,
17હે પ્રભુ જયાં તમારો આવાસ છે અને જે પવિત્રસ્થાન તમે સ્થાપિત કર્યું છે; એટલે તમારા પવિત્ર પર્વતમાં તેઓને લાવીને તમે તેઓને ત્યાં સ્થાયી વસાવવાના છો. ત્યાં તમે તમારું ભક્તિસ્થાન બાંધશો.
18હે યહોવાહ, તમે સદાસર્વકાળ સુધી રાજ્ય કરવાના છો.”
19ખરેખર એવું બન્યું કે, જ્યારે ફારુનના ઘોડેસવારો, રથો અને તેઓના સવારોએ સમુદ્રમાં પ્રવેશ કર્યો, ત્યારે યહોવાહે સમુદ્રનાં પાણી પાછાં વાળીને તેઓ પર ફેરવી વાળ્યાં; પરંતુ ઇઝરાયલી લોકો તો સમુદ્ર મધ્યે થઈને કોરી જમીન પર ચાલીને પસાર થઈ ગયા.
20પછી હારુનની બહેન મરિયમ પ્રબોધિકાએ ખંજરી હાથમાં લીધી અને તમામ સ્ત્રીઓ તેની પાછળ પાછળ ખંજરીઓ વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી. મરિયમે અને સ્ત્રીઓએ નાચગાન શરૂ કર્યા.
21મરિયમે તેઓને ગવડાવ્યું, “ઈશ્વરની આગળ ગાયન કરો, કેમ કે તેમણે ગૌરવી વિજય પ્રાપ્ત કર્યો છે, તેમણે ઘોડા અને તેના સવારોને સમુદ્રના ઊંડાણમાં ડુબાડી દીધા છે.”
22પછી મૂસા ઇઝરાયલી લોકોને રાતા સમુદ્રથી આગળ લઈ ગયો. અને તેઓ ત્યાંથી નીકળીને શૂરના અરણ્યમાં આવ્યા; તેઓ ત્યાં ત્રણ દિવસ એ અરણ્યમાં આગળ ચાલતા રહ્યા. ત્યાં તેઓને પાણી મળ્યું નહિ.
23પછી તેઓ ‘મારાહ ’ નામની જગ્યાએ આવી પહોંચ્યા. પણ ત્યાંનાં પાણી પી શક્યા નહિ, કેમ કે તે કડવાં હતાં. તેથી એ જગ્યાનું નામ ‘મારાહ’ પડયું.
24તેથી બધા લોકોએ મૂસાની વિરુદ્ધ બબડાટ કર્યો કે, “અમે શું પીઈએ?”
25એટલે મૂસાએ યહોવાહને પ્રાર્થના કરી, એટલે યહોવાહે તેને એક વૃક્ષનું થડ બતાવ્યું. મૂસાએ તેને પાણીમાં નાખ્યું અને પાણી મીઠાં થઈ ગયાં. ત્યાં યહોવાહે તેઓની કસોટી કરી. તેઓને માટે વિધિ તથા એક નિયમ ઠરાવ્યો. અને ત્યાં જ તેમની કસોટી કરી.
26યહોવાહે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર યહોવાહની વાણી કાળજીથી સાંભળશો અને જે સત્ય છે તેને પાળશો તો મેં મિસરીઓ પર જે રોગચાળો ફેલાવ્યો હતો તેમાંનો કોઈ હું તમારા પર મોકલીશ નહિ. કેમ કે તમારા રોગ મટાડનાર હું તમારો ઈશ્વર યહોવાહ છું.”
27પછી તેઓ એલીમ આવી પહોંચ્યા, ત્યાં પાણીના બાર ઝરા હતા અને સિત્તેર ખજૂરીઓ હતી, અહીં જ્યાં પાણી હતું તે જગ્યાએ તેઓએ છાવણી કરી.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.