
એસ્તેર 5
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
એસ્તેર અંદરના આંગણામાં પ્રવેશે છે અને જ્યારે રાજા સોનાનો રાજદંડ લંબાવે છે ત્યારે તેની કૃપા મેળવે છે. તે રાજા અને હામાનને ભોજન સમારંભમાં આમંત્રિત કરે છે, પછી તેમની ફરી મુલાકાત માંગે છે. મોર્દખાય હજુ પણ સન્માન આપવાનો ઇનકાર કરે ત્યારે હામાનનો ગર્વ ક્રોધમાં ફેરવાય છે.
હિંમતરાજવી કૃપાધીરજગર્વહામાનનો ક્રોધ
1ત્રીજા દિવસે એસ્તેર રાજપોશાક પહેરીને રાજાના ખંડની સામે મહેલની અંદરના ચોકમાં જઈને ઊભી રહી. એ વખતે રાજા રાજમહેલના પ્રવેશદ્વાર આગળ પોતાના સિંહાસન પર બિરાજેલો હતો.
2તેણે રાણી એસ્તેરને દરબારમાં ઊભેલી જોઈ અને રાજાની રહેમનજર તેના પર થવાથી પોતાનો હાથમાંનો સોનાનો રાજદંડ તેણે એસ્તેર સામે ધર્યો એટલે એસ્તેરે આવીને રાજદંડ સ્પર્શ કર્યો.
3રાજાએ તેને પૂછ્યું, “એસ્તેર રાણી, તારી શી ઇચ્છા છે? તારી શી અરજ છે? તું અડધું રાજય માગશે તો પણ તે તને આપવામાં આવશે.”
4એસ્તેરે રાજાને કહ્યું કે, “આપને યોગ્ય લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હામાન સાથે આજે પધારો.”
5ત્યારે રાજાએ કહ્યું કે, “હામાનને તાકીદ કરો કે એસ્તેરના કહેવા મુજબ તે હાજર થાય.” પછી જે મિજબાની એસ્તેરે તૈયાર કરી હતી તેમાં રાજા તથા હામાન આવ્યા.
6દ્રાક્ષારસ પીતી વેળાએ રાજાએ એસ્તેરને કહ્યું, “એસ્તેર રાણી, તારી શી અરજ છે? તે પ્રમાણે તને આપવામાં આવશે. તારી શી વિનંતી છે? જો અર્ધા રાજ્ય સુધી તું માગશે તે હું તે મંજૂર કરીશ.”
7ત્યારે એસ્તેરે પ્રત્યુત્તર આપ્યો, “મારી અરજ તથા મારી વિનંતી આ છે.
8જો આપની મારા પર કૃપાદ્રષ્ટિ હોય, અને જો આપને મારી અરજ પ્રમાણે બક્ષિસ આપવાની તથા મારી વિનંતી ફળીભૂત કરવાની ઇચ્છા હોય તો રાજા અને હામાન જે મિજબાની હું તેઓને સારુ આવતી કાલે તૈયાર કરું તેમાં આવે, ત્યારે હું રાજાના પ્રશ્નોના જવાબ આપીશ.”
9ત્યારે તે દિવસે હામાન હરખાતો તથા આનંદ કરતો બહાર નીકળ્યો. ત્યારે હામાને મોર્દખાયને રાજાના દરવાજામાં બેઠેલો જોયો, પણ તેને જોઈને મોર્દખાય ઊભો થયો નહિ કે ગભરાયો પણ નહિ, તેથી હામાન મોર્દખાય પર ક્રોધે ભરાયો.
10તેમ છતાં હામાન ગુસ્સા પર કાબૂ રાખી ઘરે પાછો આવ્યો અને તેની પત્ની ઝેરેશ તથા તેના મિત્રોને ભેગા કર્યા.
11તેઓની સમક્ષ પોતાની પુષ્કળ સમૃદ્ધિ, પોતાનાં સંતાનોની વિશાળ સંખ્યા, કેવી રીતે રાજાએ તેનું સન્માન કર્યું અને તેને બીજા બધાં આગેવાનોથી ઊંચી પદવી આપી હામાને કહી સંભળાવ્યું.
12વળી હામાને કહ્યું: એસ્તેર રાણીએ જે મિજબાની તૈયાર કરી હતી તેમાં મારા અને રાજા સિવાય બીજા કોઈને પણ આમંત્રણ આપ્યું નહોતું અને આવતી કાલે પણ તેણે મને રાજા સાથે મિજબાની માટે આમંત્રણ આપ્યું છે.
13પરંતુ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દખાયને હું રાજાના દરવાજા આગળ બેઠેલો જોઉં છું ત્યાં સુધી આ સર્વ મને કશા કામનું નથી.”
14ત્યારે તેની પત્ની ઝેરેશ તથા તેના સર્વ મિત્રોએ તેને સલાહ આપી, “પચાસ ફૂટ ઊંચી એક ફાંસી તૈયાર કરાવ અને સવારે રાજાને કહે કે મોર્દખાયને તે પર ફાંસી દેવી અને પછી તું આનંદથી રાજા સાથે મિજબાની માણજે.” આ સલાહ હામાનને પસંદ પડી અને તેઓના કહેવા પ્રમાણે તેણે ફાંસી ઊભી કરાવી.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.