Moses carrying replacement tablets as Levites serve and families welcome vulnerable travelers

પુનર્નિયમ 10

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
પુનર્નિયમ 10 બદલી પાટીઓ, કરારકોશ, અને લેવીઓની નિયુક્તિને યાદ કરે છે. મૂસા ઇઝરાયલના બોલાવવાનો સાર આપે છે: ડરવું, પ્રેમ કરવો, સેવા કરવી, અને આજ્ઞા પાળવી. કારણ કે પરમેશ્વર નબળાનો બચાવ કરે છે, ઇઝરાયલે પોતાનો મિસરનો અનુભવ યાદ કરીને પરદેશી નિવાસીઓની સંભાળ રાખવી જોઈએ.
કરાર નવીકરણલેવીઓપ્રેમપરદેશીઓની સંભાળ
1તે સમયે યહોવાહે મને કહ્યું, “પહેલાં હતી તેવી જ બે શિલાપાટીઓ તૈયાર કર અને તેને મારી પાસે પર્વત પર લાવ વળી લાકડાની એક પેટી બનાવ.
2પહેલી પાટીઓ જે તેં તોડી નાખી, તેના પર જે વચનો લખેલાં હતા તે હું આ પાટીઓ ઉપર લખીશ, તું તેઓને કોશમાં મૂકી રાખજે.”
3માટે મેં બાવળના લાકડાનો એક કોશ બનાવ્યો. અને પહેલાના જેવી બે શિલાપાટીઓ બનાવી, તે બે શિલાપાટીઓ મારા હાથમાં લઈને હું પર્વત પર ગયો.
4સભાના દિવસે પર્વત પર અગ્નિમાંથી જે દસ આજ્ઞાઓ યહોવાહ બોલ્યા, તે તેમણે અગાઉના લખાણ પ્રમાણે શિલાપાટીઓ ઉપર લખી; યહોવાહે તે મને આપી.
5પછી હું પર્વત પરથી પાછો નીચે આવ્યો, જે કોશ મેં બનાવ્યો હતો તેમાં તે શિલાપાટીઓ મૂકી; યહોવાહે મને આજ્ઞા આપી હતી તે મુજબ તેઓ ત્યાં છે.
6ઇઝરાયલી લોકો બેરોથ બેની યાકાન થી મુસાફરી કરીને મોસેરા આવ્યા. ત્યાં હારુનનું મૃત્યુ થયું, તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેના દીકરા એલાઝારે યાજકપદની સેવા બજાવી.
7ત્યાંથી તેઓએ ગુદગોદા સુધી મુસાફરી કરી, ગુદગોદાથી યોટબાથાહ જે પાણીના ઝરણાંનો પ્રદેશ છે ત્યાં આવ્યા.
8તે સમયે યહોવાહે લેવીના કુળને યહોવાહનો કરારકોશ ઊંચકવા, યહોવાહની સમક્ષ ઊભા રહીને તેમની સેવા કરવા, તેમના નામથી લોકોને આશીર્વાદ આપવા માટે પસંદ કર્યું. આજ સુધી તે તેની સેવા કરે છે.
9તેથી લેવીઓને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવાહ તારા ઈશ્વરે કહ્યું તેમ યહોવાહ પોતે તેનો વારસો છે.
10અગાઉની જેમ હું ચાળીસ રાત અને ચાળીસ દિવસ પર્વત પર રહ્યો; અને યહોવાહે તે સમયે પણ મારું સાંભળીને તમારો નાશ કર્યો નહિ.
11પછી યહોવાહે મને કહ્યું, ઊઠ, આ લોકોની આગળ ચાલ; એટલે જે દેશ તેઓને આપવાના મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા છે, તેમાં તેઓ પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરે.
12હવે હે ઇઝરાયલ, તું યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખે, તેમના માર્ગોમાં ચાલે અને તેમના પર પ્રેમ રાખે અને તારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તારા ઈશ્વરની સેવા કરે.
13અને આજે હું તમને યહોવાહની જે આજ્ઞાઓ અને નિયમો તારા હિતાર્થે ફરમાવું છું તેનું પાલન કરે.
14જો, આકાશ તથા આકાશોનાં આકાશ; પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તે યહોવાહ તમારા ઈશ્વરનું છે.
15તેમ છતાં તમારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાહને સારું લાગ્યું. અને તેમણે તેઓની પાછળ તેઓનાં સંતાનને એટલે સર્વ લોકોના કરતાં તમને પસંદ કર્યા જેમ આજે છે તેમ.
16તેથી તમે તમારાં પાપી હૃદયોને શુદ્વ કરો અને હઠીલાપણું છોડી દો.
17કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તે તો સર્વોપરી ઈશ્વર છે. તે મહાન, પરાક્રમી અને ભયાનક ઈશ્વર છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી.
18તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે.
19તેથી તમારે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં પરદેશી હતા.
20તમે યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો અને તમે તેમની જ સેવા કરો; તેમને જ તમે વળગી રહો. અને તેમના જ નામે સમ ખાઓ.
21તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્ભૂત કાર્યો કર્યાં છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે.
22જયારે તમારા પિતૃઓ બધા મળીને મિસર ગયા હતા ત્યારે તેઓ ફક્ત સિત્તેર જ હતા. પણ અત્યારે તમારા ઈશ્વર યહોવાહે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી છે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.