
2 કાળવૃતાંત 5
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
પુરોહિતો કરારકોશને પરમપવિત્ર સ્થાનમાં લાવે ત્યારે ઇઝરાયલ ભેગું થાય છે. ગાયકો, રણશિંગડાં વગાડનારા, અને સંગીતકારો સાથે ઉસ્તત કરે છે, અને દૈવી મહિમાનું વાદળ મંદિરને એટલી શક્તિથી ભરે છે કે પુરોહિતો ચાલુ રાખી શકતા નથી.
કરારકોશમહિમાસંગીતભક્તિ
1આમ ઈશ્વરના સભાસ્થાનનું સર્વ કામ સમાપ્ત થયું. સુલેમાન તેના પિતા દાઉદની અર્પિત કરેલી વસ્તુઓ સહિત ચાંદી, સોનું તથા સર્વ પાત્રો અંદર લાવીને ઈશ્વરના સભાસ્થાનના ભંડારમાં મૂક્યાં.
2પછી દાઉદ નગરમાંથી એટલે સિયોનમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા માટે સુલેમાને ઇઝરાયલના વડીલોને, દરેક કુળના આગેવાનોને, એટલે ઇઝરાયલી લોકોના કુટુંબોના આગેવાનોને યરુશાલેમમાં એકત્ર કર્યા.
3ઇઝરાયલના સર્વ પુરુષો સાતમા મહિનાના પર્વમાં રાજાની આગળ ભેગા થયા.
4ઇઝરાયલના સર્વ વડીલો આવ્યા એટલે લેવીઓએ કરારકોશ ઉપાડ્યો.
5તેઓ કરારકોશને, મુલાકાતમંડપને તથા તંબુની અંદરનાં સર્વ પવિત્ર પાત્રોને લઈ આવ્યા. જે યાજકો લેવીઓનાં કુળના હતા તેઓ આ વસ્તુઓ લઈ આવ્યા.
6સુલેમાન રાજાએ તથા તેની આગળ એકત્ર મળેલી ઇઝરાયલની સમગ્ર પ્રજાએ કરારકોશની આગળ, અસંખ્ય ઘેટાં તથા બળદોનું અર્પણ કર્યું.
7યાજકોએ ઈશ્વરના કરારકોશને ઈશ્વરવાણીસ્થાનમાં, એટલે પરમપવિત્ર સ્થાનમાં, કરુબોની પાંખો નીચે લાવીને મૂક્યો.
8કરુબોની પાંખો કરારકોશ પર પસારેલી હતી, તેથી કરુબોની પાંખો દ્વારા કોશ તથા તેના દાંડાઓ પર આચ્છાદન કરાયું.
9કરારકોશના દાંડા એટલા લાંબા હતા કે તેના છેડા પરમપવિત્ર સ્થાન આગળ કોશ પાસેથી દેખાતા હતા પણ તે બહારથી દેખાતા ન હતા. ત્યાં તે આજ દિવસ સુધી છે.
10જયારે ઇઝરાયલી લોકો મિસરમાંથી બહાર આવ્યા ત્યારે હોરેબ કે જ્યાં ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો, ત્યાં મૂસાએ જે બે શિલાપાટીઓ કોશમાં મૂક્યા હતાં તે સિવાય બીજું કશું એમાં ન હતું.
11અને એમ થયું કે યાજકો સભાસ્થાનમાંથી બહાર આવ્યા. જે સર્વ યાજકો હાજર હતા તેઓએ પોતાને પવિત્ર કર્યા હતા; તેઓએ તેમના વિભાગોમાં જુદા પાડ્યાં.
12આ ઉપરાંત સર્વ ગાનારા લેવીઓ, એટલે આસાફ, હેમાન, યદૂથૂન તથા તેઓના સર્વ દીકરાઓ તથા ભાઈઓ બારીક શણનાં વસ્ત્ર પહેરીને ઝાંઝો, સિતાર તથા વીણા લઈને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓની સાથે એકસો વીસ યાજકો રણશિંગડાં વગાડતા હતા.
13અને એમ થયું કે રણશિંગડાં વગાડનારા તથા ગાનારાઓએ ઈશ્વરની સ્તુતિ કરવા તથા આભાર માનવા ઊંચે સ્વરે એક સરખો અવાજ કર્યો. તેઓએ ઈશ્વરની સ્તુતિ કરવા રણશિંગડાં, ઝાંઝ અને બીજા વાજિંત્રો સહિત ઊંચા સ્વરે સ્તુતિ કરી. તેઓએ ગાયું, “તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ ટકે છે.” પછી ઈશ્વરનું સભાસ્થાન વાદળ સ્વરૂપે ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું.
14યાજકો ઘરમાં સેવા કરવા ઊભા રહી શક્યા નહિ. કેમ કે ઈશ્વરના મહિમાથી સભાસ્થાન ભરાઈ ગયું હતું.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.