Samuel pouring oil on Saul as gathered Israelites watch nearby

1 શમુએલ 10

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
પ્રકરણ સારાંશ
શમુએલ ખાનગીમાં શાઊલનો અભિષેક કરે છે અને પુષ્ટિકારક નિશાનીઓ આપે છે. પરમેશ્વર શાઊલને બદલે છે અને પ્રબોધકો વચ્ચે તેને શક્તિ આપે છે. પછી, ઇઝરાયલ જાહેર પસંદગી માટે ભેગું થાય છે, પરંતુ પસંદ કરેલો માણસ સામાનમાં છુપાય છે તે પહેલાં રાષ્ટ્રના પ્રથમ રાજા તરીકે રજૂ કરાય છે.
અભિષેકનિશાનીઓરાજાપણુંઅનિશ્ચિતતા
1પછી શમુએલે તેલની કુપ્પી લઈને તેમાંનું તેલ, શાઉલના માથા ઉપર રેડયું અને તેને ચુંબન કર્યું. પછી કહ્યું, “શું ઈશ્વરે પોતાના વારસા પર અધિકારી થવા સારુ તને અભિષિક્ત કર્યો નથી?
2આજે મારી પાસેથી ગયા પછી, બિન્યામીનની સીમમાં સેલસા પાસે, રાહેલની કબર નજીક તને બે માણસ મળશે. તેઓ તને કહેશે, “જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે મળ્યાં છે. હવે, તારા પિતા ગધેડાંની કાળજી રાખવાનું છોડીને, તારા વિષે ચિંતા કરતાં, કહે છે, “મારા દીકરા સંબંધી હું શું કરું?”
3પછી ત્યાંથી આગળ ચાલતા, તું તાબોરના એલોન વૃક્ષ આગળ આવશે. ત્યાં ત્રણ માણસો ઈશ્વરની પાસે બેથેલમાં જતા તને મળશે. તેમાંના એકે બકરીનાં ત્રણ બચ્ચાં ઊંચકેલા હશે, બીજા પાસે ત્રણ રોટલી હશે. અને ત્રીજાએ દ્રાક્ષાસવની કુંડી ઊંચકેલી હશે.
4તેઓ પ્રણામ કરીને તને ત્રણ રોટલી આપશે, જે તું તેઓના હાથમાંથી લેશે.
5ત્યાર પછી, તું જ્યાં પલિસ્તીઓની છાવણી છે, ત્યાં ઈશ્વરના પર્વત પાસે આવશે. જયારે તું ત્યાં નગર પાસે પહોંચશે, ત્યારે પ્રબોધકોની એક ટોળી, તેની આગળ સિતાર, ખંજરી, વાંસળી, વીણા વગાડનારા સહિત ઉચ્ચસ્થાનથી ઊતરતી તને મળશે; તેઓ પ્રબોધ કરતા હશે.
6ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત તારા ઉપર આવશે, તું તેઓની સાથે પ્રબોધ કરશે અને તું બદલાઈને જુદો માણસ થઈ જશે.
7હવે, જયારે તને આ ચિહ્ન મળે, ત્યારે તારે પ્રસંગાનુસાર વર્તવું, કેમ કે ઈશ્વર તારી સાથે છે.
8તું મારી અગાઉ ગિલ્ગાલમાં જજે. પછી હું દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કરવાને તારી પાસે આવીશ. હું આવીને તારે શું કરવું એ બતાવું ત્યાં સુધી એટલે સાત દિવસ સુધી રાહ જોજે.”
9જયારે શમુએલ પાસેથી જવાને શાઉલે પીઠ ફેરવી કે, ઈશ્વરે તેને બીજું હૃદય આપ્યું. તે જ દિવસે તે સર્વ ચિહ્નો પૂરાં થયાં.
10જયારે તેઓ પર્વત પાસે આવ્યા, ત્યારે પ્રબોધકોની ટોળી તેને મળી. ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત તેના ઉપર આવ્યો અને તેણે તેઓની વચ્ચે પ્રબોધ કર્યો.
11જે સર્વ તેને પૂર્વે ઓળખતા હતા તેઓએ જયારે જોયું કે, પ્રબોધકોની સાથે તે પ્રબોધ કરે છે, ત્યારે લોકોએ એકબીજાને કહ્યું, “કીશના દીકરાને આ શું થયું છે? શું શાઉલ પણ એક પ્રબોધક છે?”
12તે જગ્યાના એક જણે ઉત્તર આપીને કહ્યું, “તેઓનો પિતા કોણ છે?” આ કારણથી, એવી કહેવત પડી, “શું શાઉલ પણ પ્રબોધકમાંનો એક છે?”
13પ્રબોધ કરી રહ્યો, પછી તે ઉચ્ચસ્થાને આવ્યો.
14ત્યારે શાઉલના કાકાએ તેને તથા તેના ચાકરને કહ્યું, “તમે ક્યાં ગયા હતા?” તેણે કહ્યું, “ગધેડાંની શોધ કરવાને; જયારે અમે જોયું કે અમે તેને શોધી શક્યા નથી ત્યારે અમે શમુએલ પાસે ગયા હતા.”
15શાઉલના કાકાએ કહ્યું, “મને કૃપા કરીને કહે કે શમુએલે તમને શું કહ્યું?”
16શાઉલે પોતાના કાકાને જવાબ આપ્યો, “તેણે ઘણી સ્પષ્ટતાથી કહ્યું કે ગધેડાં મળ્યાં છે.” પણ રાજ્યની વાત જે વિષે શમુએલે તેને કહ્યું હતું તે સંબંધી તેણે તેને કશું કહ્યું નહિ.
17હવે શમુએલે લોકોને મિસ્પામાં બોલાવીને ઈશ્વરની આગળ ભેગા કર્યા.
18તેણે ઇઝરાયલ લોકોને કહ્યું, “ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર આમ કહે છે: ‘હું મિસરમાંથી ઇઝરાયલને કાઢી લાવ્યો, મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યાં.’”
19પણ તેં તમારા ઈશ્વરનો આજે તમે નકાર કર્યો છે, જેમણે તમને તમારી સર્વ વિપત્તિઓથી તથા તમારા સંકટોથી તમને છોડાવ્યાં છે; અને તમે તેમને કહ્યું, ‘અમારા ઉપર તમે રાજા નીમી આપો.’ હવે ઈશ્વરની આગળ તમે તમારાં કુળો પ્રમાણે તથા તમારા કુટુંબો પ્રમાણે હાજર થાઓ.”
20તેથી શમુએલ ઇઝરાયલનાં સર્વ કુળોને પાસે લાવ્યો તેમાંથી બિન્યામીનનું કુળ માન્ય થયું.
21પછી તે બિન્યામીનના કુળને તેઓનાં કુટુંબો પાસે લાવ્યો; તેમાંથી માટ્રીઓનું કુટુંબ માન્ય થયું; પછી કીશનો દીકરો શાઉલ માન્ય કરાયો. પણ જયારે તેઓ તેને શોધવા ગયા, ત્યારે તે મળ્યો નહિ.
22તે માટે લોકોએ ઈશ્વરને વધારે પ્રશ્નો પૂછ્યા કર્યા, “તે માણસ હજી અહીં આવ્યો છે કે નહિ?” ઈશ્વરે જવાબ આપ્યો, “તેણે પોતાને સામાનમાં સંતાડ્યો છે.”
23પછી તેઓ દોડીને ગયા અને શાઉલને ત્યાંથી લઈ આવ્યા. તે લોકોમાં ઊભો રહ્યો, તેના ખભાથી ઉપરનો ભાગ સર્વ લોકોની ઊંચાઈ કરતાં વધારે ઊંચો હતો.
24પછી શમુએલે લોકોને કહ્યું, “શું ઈશ્વરના પસંદ કરેલા માણસને તમે જુઓ છો? બધા લોકોમાં તેના જેવો કોઈ નથી!” સર્વ લોકોએ પોકાર કર્યો, “રાજા ઘણું જીવો!”
25પછી શમુએલે લોકોને રિવાજો તથા રાજનીતિ વિષે કહ્યું, તેને પુસ્તકમાં લખીને ઈશ્વરની આગળ તે રાખી મૂક્યું. પછી શમુએલે સર્વ લોકોને પોતપોતાને ઘરે વિદાય કર્યા.
26શાઉલ પણ પોતાને ઘરે ગિબયામાં ગયો. અને જે શૂરવીરોના હૃદયને ઈશ્વરે સ્પર્શ કર્યો હતો તેઓ પણ તેની સાથે ગયા.
27પણ કેટલાક નકામાં માણસોએ કહ્યું, “આ માણસ તે વળી કેવી રીતે અમારો બચાવ કરશે?” તેઓએ શાઉલને હલકો સમજીને તેના માટે કશી ભેટ લાવ્યા નહિ. પણ શાઉલ શાંત રહ્યો.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 2019 Bridge Connectivity Solutions. Supplied unaltered through eBible.org. Text unchanged, used under CC BY-SA 4.0.